- પુણે-બેંગ્લોર હાઇવે પર મોટી દુર્ઘટના: એક પછી એક પછી 48 વાહનો અથડાયાં!!
- બિહારમાં કરૂણાંતિકા: લગ્નમાંથી જમીને પરત જતા લોકોને ટ્રકે કચડ્યા, 10 લોકોના મોત
ગત રવિવારે રાત્રે દેશમાં બે મોટી દુર્ઘટના સર્જાઈ છે. બંને ઘટના રોડ અકસ્માત છે. એક પુણે-બેંગલુરુ હાઈવે પર રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક પછી એક 48 જેટલા વાહનો અથડાયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નવલે પુલ પર બની હતી. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પુણે ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, “પુણે-બેંગલુરુ હાઈવે પર નવલે પુલ પર એક મોટો અકસ્માત થયો હતો, જેમાં લગભગ 48 વાહનોને નુકસાન થયું હતું.” પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના નવલે બ્રિજ વિસ્તારમાં રાત્રે લગભગ 8:30 વાગ્યે બની હતી. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. કેટલાક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બિહારના હાજીપુરમાં રવિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. હાઇ સ્પીડમાં બેકાબૂ બનેલા ટ્રક ચાલકે અનેક લોકોને કચડી નાખ્યા હતા. ગામમાં જમીને બધા લોકો રસ્તાના કિનારેથી ટોળામાં બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રકના ચાલકે તેને કચડી નાખ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દુર્ઘટનામાં લગભગ 10 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.
મૃતકોમાં બાળકો પણ સામેલ હોવાનું કહેવાય છે. બાળકો પણ તેમના સંબંધીઓ સાથે લગ્નમાં જમવા ગયા હતા. આ ઘટના વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામની છે. ઘટના બાદ સ્થળ પર હાજર ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતિમા દાસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું કે લોકો કહે છે તેમ 10 થી 12 લોકોના મોત થયા છે. હવે અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ડીએમ અને એસપી પણ આવી રહ્યા છે. પ્રતિમા દાસે કહ્યું કે લોકો કહી રહ્યા છે કે ટ્રકનો ડ્રાઈવર નશામાં હતો. ઘટના બાદ તે ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.