થોરાળા વિસ્તારમાં નામચીન શખ્સની અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ ઝીંકી ઢીમઢાળી દીધું: નાના મવાના વેપારીને લેણદારોએ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો
ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઉચો જતા ગુનાખોરીનો ગ્રાફ પણ ઉચો જતો રહ્યો હોય તેમ શાંત ગણાતા રાજકોટ શહેરમાં માત્ર બે જ કલાકના સમયમાં બે હત્યા થયાની ઘટના પોલીસમાં નોંધાઇ છે. આ જ રીતે લોધિકા પોલીસ મથકના મહિલા ફોજદારના ત્રાસથી કંટાળી યુવાને ઝેર પી જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યાની ઘટનાથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લિનર તરીકે ફરજ બજાવતા ઇમરાન ઉર્ફે ઇમુ જુશબ તાયાણી નામના યુવાનની થોરાળા વિસ્તારના જાહેર શૌચાલય પાસે અજાણ્યા શખ્સોએ બોર્થડ પર્દાથ મારી ઢીમઢાળી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મૃતક ઇમરાન ઉર્ફે ઇમુ સુમરાને પાંચેક દિવસ પહેલા ફિરોજ નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો ત્યાર બાદ વિજયનગરમાં રહેતા અલ્તાફ ઉર્ફે છ આંગળી સાથે બોલાચાલી થઇ હતી. ગઇકાલે રાતે ભાવનગર રોડ પર જયનાથ પેટ્રોલ પંપ પાસે મોજ્મની ઇંડાની રેકડીએ નાસ્તો કરવા ગયો ત્યારે તેની સાથે ઝઘડો થયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા ઇમરાન ઉર્ફે ઈમુની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.ટી.વાઢીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
જયારે નાના મવા વિસ્તારમાં તાપસ સોસાયટીમાં આવેલા શિવ એપાર્ટમેન્ટમાં રહેતા તુષારભાઇ કનૈયાલાલ પટેલ નામના યુવાનને તેના લેણદારોએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસમાં નોંધાયું છે.
તુષારભાઇ પટેલ ગઇરાતે પોતાના ઘરે હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા ત્રણેય શખ્સો ઝઘડો કરતા હોવાથી તેમની ૧૩ વર્ષની બાળકી હેત જાગી ગઇ હતી. જ્યારે પત્ની કવિતા સુતી હતી. ત્રણેય શખ્સો તુષારભાઇ પટેલને પોતાની સાથે લઇ ગયા બાદ થોડી જ વારમાં કવિતાબેનને વોઇસ મેસેજ કરી પોતાને લેણદારો બળજબરીથી ઝેરી દવા પીવડાવી મર્ડર કર્યાનો અને પોતે છેલ્લો મેસેજ કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તુષારભાઇ પટેલે પોતાના પિતરાઇ ભાવેશ પટેલને ફોન કરી પોતાને લેણદારોએ ઝેરી દવા પીવડાવી પોતાના એપાર્ટમેન્ટની પાછળ ગ્રાઉન્ડમાં ઝેરી દવા પીવડાવ્યાની વાત કરી મોબાઇલ કટ કરી નાખ્યો હતો.
ભાવેશ પટેલ સહિતના પરિવારજનો શિવ એપાર્ટમેન્ટ પાછળ પહોચ્યા તે દરમિયાન તુષારભાઇ પટેલ ઉલ્ટીઓ કરતા હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.
તુષારભાઇ પટેલ પાસે કોણ અને કેટલી રકમ માગતા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથઘરવામાં આવી છે. તેમજ ૧૩ વર્ષની હેતે ત્રણેય શખ્સોને નજરે જોયા હોવાથી લેણદારોનું પોલીસ દ્વારા વર્ણન મેળી હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.
લોધિકા પોલીસના ત્રાસથી કંટાળી પ્રૌઢે ઝેર ગટગટાવ્યું
પૈસાની ઉઘરાણીનો હવાલો સંભાળી દબાણ કરતા કર્યો આત્મહત્યાનો પ્રયાસ
મોટા મવા નજીક આવેલા અંબિકા ટાઉનશીપ ઇસ્કોન હાઇટસ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ લાલજીભાઇ ખૂંટ નામના ૫૨ વર્ષના પટેલ પ્રૌઢે રૈયા રોડ પર બ્રહ્મ સમાજ નજીક ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
અરવિંદભાઇ ખૂંટના સાળા ગધેથરીયાએ મવડી વિસ્તારના લાલો ઉર્ફે બ્રિજેશ સરધારા અને છગન સાવલીયા પાસેથી રૂ.૨ લાખ માસિક ૭ ટકા વ્યાજે લીધા હતા. પ્રવિણ ગધેથરીયા વ્યાજખોરના ત્રાસથી કંટાળી છેલ્લા એકાદ વર્ષથી ફરાર હોવાથી પ્રવિણ ગધેથરીયાના બનેવી અરવિંદ ખૂંટ સામે લોધિકા પોલીસમાં અરજી કરતા લોધિકા પોલીસ મથકના પી.એસ.આઇ. ગઢવીએ અરજીની તપાસ માટે લોધિકા પોલીસ મથકે બોલાવી ત્રણ કલાક સુધી બેસાડી દબાણ કરતા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું જણાવ્યું છે.