શહેરમાં રીક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ જ્યૂબેલી ચોક નજીક રીક્ષા ચાલક સહિતના શખ્સોએ મુસાફર સાથે ઝઘડો કરી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બનાવમાં લાલપરીમાં ઢોલ વગાડવાની બાબતે કાકાએ ભત્રીજાને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલ સ્લમ ક્વાર્ટરમાં રહેતો યશવંત ભરતભાઇ રાઠોડ નામનો 25 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં એસટી બસ સ્ટેશનની રિક્ષામાં જઈ રહ્યો હતો. ત્યારે જ્યૂબેલી ચોક પાસે પહોંચતા રીક્ષા ચાલક સહિતના શખ્સોએ મુસાફર યશવંત રાઠોડ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં અમિત કાંતિભાઈ પરમાર નામનો 26 વર્ષનો યુવાન બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના કાકા ચમનભાઈ ડાયાભાઇ પરમારના ઘરે હતો. ત્યારે ઢોલ વગાડવા મુદ્દે બોલાચાલી થતા કાકા ચમનભાઈ પરમારે સહિતના શખ્સોએ ભત્રીજા અમિત પરમાર ઉપર હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.