મુખ્ય સૂત્રધારે મોબાઇલમાં ઓડિયો ક્લીપ વાયરલ કરી સાગરીતો એકઠા કર્યા
૨૦ જેટલા કુંટુબીઓએ તલવાર, છરી અને ધોકાથી હુમલો કરતા નાસભાગ: એક ગંભીર
ભરવાડ પરિવારમાં સમી સાંજે બઘડાટી બોલતા જીવાપરા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો: ત્રણ શખ્સોની ધરપકડ
સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારો બાદ ઉના નજીક ગાંગડા ગામે આડા સંબંધના કારણે માતા-પુત્રની હત્યા થયા બાદ અમરેલીના જીવાપરા વિસ્તારમાં ઢોર પકડાવવામાં મદદ કરનાર કાકા-ભત્રીજાની સમી સાંજે ૨૦ જેટલા શખ્સોએ તલવાર, છરી અને પાઇપથી હુમલો કરી સરા જાહેર હત્યા કરતા નાસભાગ મચી ગઇ છે. પોલીસે ૨૦ જેટલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. જીવાપરા વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના જીવાપરા શેરી નંબર ૩માં આવેલા સોમનાથ મંદિર પાસે રહેતા કિરણભાઇ નનુભાઇ મકવાણા, તેના પિતરાઇ ભાવેશ વશરાણમભાઇ મકવાણા અને કાકા ગોવિંદભાઇ રામભાઇ મકવાણા ગઇકાલે સાંજે પોતાના ઘર પાસે હતા ત્યારે રામકુ વાઘા રાતડીયા, સુરા વાઘા રાતડીયા, કરશન વાઘા રાતડીયા, હાજા વાઘા રાતડીયા, સંગરામ નારૂ રાતડીયા, ગોપાલ નારૂ રાતડીયા, નારૂ ભગુ રાતડીયા, કાળુ ભીખુ રાતડીયા, રાજુ ભીખુ રાતડીયા, પાંચા ઉર્ફે પાંચુ ભીખુ રાતડીયા, જાગા ઉર્ફે ગુણા ભગુ રાતડીયા, ધમેન્દ્ર જાગા રાતડીયા અને ભીમા ભગુ રાતડીયા સહિત ૨૦ જેટલા શખ્સોએ તલવાર, છરી અને ધાકાથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા કિરણભાઇ મકવાણા અને તેના કાકા ગોવિંદભાઇ રામભાઇ મકવાણાના મોત નીપજતા બનાવ ડબલ હત્યામાં પલ્ટાયો હતો. અને ભાવેશ મકવાણાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
અમરેલી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ રાખી હતી અને જીવાપરા વિસ્તારમાં ઢોર પકડવા ગયા ત્યારે કિરણભાઇ મકવાણાએ ઢોર પકડાવવામાં મદદ કરી હોવાથી રામકુ રાતડીયાને સારૂ લાગ્યુ ન હતું.
રામકુ ભરવાડના ઢોર નગરપાલિકાના સ્ટાફે પકડી લેતા તેને મોબાઇલમાં કિરણભાઇ મકવાણા આપડા ઢોર પકડાવી રહ્યા અંગેનો ઉશ્કેરણીજનક ઓડીયો મોબાઈલમાં વાયરલ કરતા રામકુ રાતડીયાના મળતીયાઓ એકઠાં થયા હતા અને કિરણભાઇ મકવાણાને પાઠ ભણાવવા ઘાતક હથિયાર સાથે ઘસી આવ્યા હતા.
ગઇકાલે સાંજે કિરણભાઇ, તેના પિતરાઇ ભાવેશ અને કાકા ગોવિંદભાઇ મકવાણા સોમનાથ મંદિર પાસે હતા ત્યારે રામકુ પોતાના ૨૦ જેટલા સાગરીતો સાથે તલવાર, છરી અને ધોકા સાથે ઘસી આવ્યા હતા. ત્રણેય કંઇ સમજે તે પહેલાં ઘાતક હથિયારથી હુમલો કરતા ગોવિંદભાઇ મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના ભત્રીજા કિરણભાઇ મકવાણાને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
જીવાપરા વિસ્તારમાં એક સાથે કાકા-ભત્રીજાની હત્યા થતાં વળતો હુમલો થશે તેવી દહેશત સાથે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ડબલ હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. અમરેલી હોસ્પિટલમાં દાખલ ભાવેશ વશરામભાઇ મકવાણાની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.