પોલીસે બંને વ્યાજખોરો સામે ગેરકાયદે નાણાં ધીરધાર અંગે ગુનો નોંધી અટકાયતમાં લીધા
જામનગર સમાચાર
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ છેલ્લા કેટલાક સમયથી દરેડ વિસ્તારમાં રહીને બ્રાસપાર્ટ નું કારખાનું ચલાવતા પર પ્રાંતિય કાકા- ભત્રીજાએ જામનગરના અને દરેડના બે શખ્સો સામે પોતાની પાસેથી રૂપિયા ૮ લાખ નું ૧૦ ટકા લેખે ૧૬ લાખ જેટલું વ્યાજ વસુલી લીધા પછી પણ ધમકી આપી વધુ રકમ પડાવવા અંગે દબાણ કરતાં મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે બંનેને અટકાયતમાં લઈ લીધા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેક જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાટનું કારખાનું ધરાવતા મૂળ ઉત્તર પ્રદેશના વતની અમરેન્દ્રકુમારગિરી ગોસ્વામી એ જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં દરેડના દશરથ સિંહ જાડેજા અને જામનગરના ભૈલુભા વાળા સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અમરેન્દ્રકુમારગીરી અને તેના કાકા દેવેન્દ્રગીરી ગોસ્વામી કે જેઓ છેલ્લા કેટલાક સમયથી દરેડ વિસ્તારમાં કારખાનું ચલાવે છે.
જે કારખાના ના વિકાસ માટે પૈસા ની જરૂરિયાત પડતાં આજથી ત્રણેક વર્ષ પહેલાં પોતાના અન્ય એક મિત્રની મદદથી જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા ભૈલુભા વાળા તેમજ દરેડ ગામમાં રહેતા દશરથસિંહ જાડેજા પાસેથી આઠ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે રકમનું ૧૦ ટકા લેખે રાક્ષસી વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું .
કારખાનામાં ખોટ જવાથી અને લોકડાઉનના સમયગાળા વગેરેને ધ્યાનમાં રાખીને કાકા ભત્રીજાએ સૌપ્રથમ ત્રણ લાખ રૂપિયા આપી દઈ સમાધાન કર્યું હતું, અને ત્યારબાદ બાકીની રકમ પણ ચૂકવી દીધી હતી. તેમ છતાં બંને આરોપીઓ દ્વારા વધુ નાણાં કઢાવવા માટે દબાણ કરાતું હતું.
જે બંને વ્યાજખોરો ને ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આઠ લાખની મુદ્દલ રકમ ઉપરાંત ૧૬ લાખ જેટલું જંગી વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ પણ પૈસાની માંગણી કરાતી હોવાથી મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જ્યાં એસ આઈ ડી સી ગોહિલ અને તેમની ટીમ દ્વારા બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬-૨ તથા ગુજરાત મની લોન્ડરિંગ એક્ટ ૨૦૧૧ ની કલમ ૫,૩૯,૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓને અટકાયતમાં લઈ લીધા છે. તેની વધુ પુછ પરછ ચલાવવામાં આવી રહી છે.