કૌટુંબિક ભત્રીજો દારૂ પીવાના રવાડે ચડી જતા કાકાએ તેની માતાને જાણ કરી’તી: જેનો ખાર રાખી માથામાં બોથડ પદાર્થ ઝીકી ઢીમ ઢાળી દીધું
ભાયાવદર તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા આધેડ પર એક સપ્તાહ પહેલા તેના કૌટુંબિક ભત્રીજાએ હુમલો કર્યા બાદ તેઓએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. દારૂ પીવા અંગે મૃતકે હત્યારા ભત્રીજાના માતાને જાણ કરતાં તેનો ખાર રાખી આધેડનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાયાવદર તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા અને પાનની દુકાન ધરાવતા ચેતનભાઈ હીરજીભાઈ ભાલોડિયા નામના 50 વર્ષના પ્રોઢ પર તેના જ કૌટુંબિક ભત્રીજા જીલ દિલીપ ભાલોડિયાએ માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી દેતા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જીલ ભાલોડિયની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ચેતનભાઈ ભાલોડિયા ગામમાં પાનની દુકાન ધરાવે છે અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા દિવસ પહેલા ચેતનભાઈનો કૌટુંબિક ભત્રીજો જીલ દારૂના રવાડે ચડી ગયો હતો. જે બાબતે ચેતનભાઈને જાણ થતાં તેઓએ ભત્રીજા જીલને ઠપકો આપ્યો હતો.
તેમ છતાં જીલ દારૂના રવાડે ચડી જતા ચેતનભાઈએ ભાલડીયાએ આ અંગે જીલની માતાને જાણ કરી હતી. જીલના પિતા હયાત ન હોવાથી તેની માતાએ ઠપકો આપતા જીલને લાગી આવ્યું હતું. જેનો ખાર રાખી એક સપ્તાહ પહેલા ચેતનભાઇ દુકાન બંધ કરીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે જીલે તેઓને માથામાં બોથડ પદાર્થનો ઘા મારતા ચેતનભાઇ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.