મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વર્ષ 2020-21નું રૂા.1544.32 કરોડનું રીવાઈઝડ બજેટ અને વર્ષ 2021-2022નું રૂા.2275.80 કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું
રાજકોટ ઝડપભેર વધુને વધુ પ્રગતિ કરે અને રહેવાલાયક-માણવાલાયક શહેર બને તેવા ઉદેશને સાર્થક કરવાના દ્રષ્ટિકોણ સાથે અંદાજપત્રમાં તમામ ક્ષેત્રને આવરી લેવાના પ્રયાસો કરાયા છે: મ્યુનિસિપલ કમિશનર
નવા બજેટમાં બે સ્પોર્ટસ સંકુલ, પર્યાવરણની સુરક્ષા માટે નવી 100 ઈ-બસની ખરીદી, સાંઢીયાપુલનું નવિનીકરણ, પબ્લીક બાઈસીકલ શેરીંગ પ્રોજેકટનું વિસ્તૃતિકરણ, નાકરાવાડી ખાતે સોલાર પાવર પ્લાન્ટ, 3 નવા ફાયર સ્ટેશન અને સ્ટ્રીટ ફોર પબ્લીક સહિતના પ્રોજેકટનો સમાવેશ
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2020-2021નું રૂા.1544.32 કરોડનું રીવાઈઝડ બજેટ અને નવા નાણાકિય વર્ષ 2021-2022નું રૂા.2275.80 કરોડનું અંદાજપત્ર આજે સવારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા બજેટમાં રાજકોટવાસીઓ પર કોરોના કાળમાં નવો એકપણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો નથી. શહેરની હદમાં ભળેલા નવા વિસ્તારોના વિકાસ માટે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સાથો સાથ અનેક પ્રોજેકટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાનું બીજુ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજુ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, એમ કહેવામાં કોઈ જ અતિશિયોકિત નથી કે માનવ વસ્તીએ ભાગ્યે જ નિહાળી હોય તેવી કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીએ સમગ્ર વિશ્ર્વને પોતાના ભરડામાં લઈ લીધું છે. આવામાં રાજકોટ મહાનગરપાલિકાને પણ તેની અસર થવા પામી છે. રાજકોટની વિકાસ પ્રક્રિયા આગળ ધપાવવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહેલી મહાપાલિકા છેલ્લા 12 મહિનાથી કોરોના સામે ઐતિહાસિક જંગ લડી રહ્યું છે. કોરોના કાળમાં પણ રાજકોટની વિકાસ યાત્રાને બ્રેક ન લાગે તે માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે મારા કાર્યકાળનું બીજુ બજેટ મેં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું છે. રાજકોટની વિકાસયાત્રા આગળ ધપે અને શહેરીજનોનો વિશ્ર્વાસ સાર્થક કરવાના પ્રયાસોના ભાગરૂપે નાણાકિય વર્ષ 2021-2022નું રૂા.2275.80 કરોડનું બજેટ આજે દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે જેમાં મકાન વેરો, વાહન વેરો, વોટર ચાર્જીસ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ચાર્જ યથાવત રાખવામાં આવ્યા છે. સાથો સાથ તાજેતરમાં મહાપાલિકાની હદમાં જે નવા વિસ્તારો ભળ્યા છે તેના વિકાસ માટે પણ કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2020-2021નું રૂા.1544.32 કરોડનું રીવાઈઝડ બજેટ પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરી દેવામાં આવ્યું છે જેમાં 588 કરોડનો કાપ મુકવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી સમયમાં રાજકોટમાં બે નવા સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. પર્યાવરણની સુરક્ષા થાય તેવા હેતુથી નવી 100 ઈ-બસ ખરીદવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો જુના સાંઢીયાપુલનું નવિનીકરણ, પબ્લીક બાઈક શેરીંગ પ્રોજેકટનું વિસ્તૃતિકરણ, નાકરાવાડી ખાતે નવા સોલાર પાવર પ્લાન્ટ, અલગ-અલગ 3 સ્થળોએ નવા ફાયર સ્ટેશન, સ્ટ્રીટ ફોર પીપલ, નેચરીંગ નેબલ હુડ અને સાયકલ ફોર ચેન્જ જેવા પ્રોજેકટનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા હાલ જે પ્રોજેકટ ચાલી રહ્યા છે તે નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે અને નવા હાથ પર લેવામાં આવનાર પ્રોજેકટની કાર્યવાહી પણ સમયસર આગળ વધારવામાં આવશે. શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને અન્ય વિસ્તારોમાં પણ નાગરીકોને જુદી-જુદી સુવિધાઓ અને સેવા ઉપલબ્ધ થાય અને તેમનું જીવનધોરણ સુધરી હેપીનેસ ઈન્ડેકસ ઉંચો આવે તેવા ઘ્યેયને પરીપુર્તી કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, ગ્રીન રાજકોટ, અર્બન હેલ્થ, ફાયર સેફટી, સ્મુથ એન ફાસ્ટર અર્બન મોબોલીટી હાઉસીંગ, એન્ટરટેઈમેન્ટ, ઈ-ગર્વનન્સ, કલીન એર રાજકોટ, એજયુકેશન, બ્યુટીફીકેશન, ડેવલોપીંગ સ્પોર્ટસ એન્ડ કલ્ચર સહિતના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે આયોજન અને અમલીકરણ ઉપર ભાર મુકવામાં આવશે.
રાજકોટ ઝડપભેર વધુને વધુ પ્રગતિ સાથે રહેવા લાયક અને માણવા લાયક બને તેવા ઉદેશને સાર્થક કરવાના દ્રષ્ટિકોણ સાથે તૈયાર કરેલા અંદાજપત્રમાં તમામ ક્ષેત્રોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે છતાં સૌથી મોટી બાબત એ છે કે કોરોનાના કપરાકાળમાં રાજકોટવાસીઓ પર એક પણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી. બજેટમાં કરાયેલા નાણાકિય આયોજન પર નજર કરવામાં આવે તો રેવન્યુ બજેટ રૂપિયા 748.69 કરોડનું છે તો કેપીટલ બજેટ રૂા.1476.28 કરોડનું અને અનામત બજેટ રૂા.508.23 કરોડનું છે. આગામી નાણાકિય વર્ષમાં પણ મહાપાલિકા દ્વારા 150 કરોડના મ્યુનિસિપલ બોન્ડ માટે પ્રસ્તાવની જોગવાઈ કરવામાં આવી છે. બજેટના કદમાં ઉતરોતર સતત વધારો થઈ રહ્યો છે. આવક પર નજર કરવામાં આવે તો મકાન અને પાણી વેરા પેટે રૂા.299 કરોડ, વાહન વેરા પેટે રૂા.17 કરોડ, જકાત ગ્રાન્ટ પેટે રૂા.134.14 કરોડ, ઈમ્પેકટ ફી, એફએસઆઈ અને ટીપીની આવક પેટે રૂા.192.67 કરોડ, એડવાન્સીસની આવક તરીકે રૂા.110 કરોડ, વ્યાજની ઉપજ પેટે રૂા.12.50 કરોડ, વ્યવસાય વેરા પેટે 30 કરોડ, એસ્ટેટ માર્કેટ અને દબાણ હટાવતી થતી આવક રૂા.14.49 કરોડ, મહેસુલી ગ્રાન્ટ રૂા.35 કરોડ, વસ્તી ગણતરીની ગ્રાન્ટ રૂા.10 કરોડ, એજયુકેશન સેસની ગ્રાન્ટ રૂા.23.58 કરોડ, વ્યવસાય વેરાની ગ્રાન્ટ રૂા.4.90 કરોડ, આવાસના હપ્તા પેટે થનારી આવક રૂા.3.80 કરોડ અને અન્ય મહેસુલી આવક રૂા.17 કરોડની થવા પામે છે. જયારે મુડી આવક રૂા.1408.76 કરોડની થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. જયારે ખર્ચ પર નજર કરવામાં આવે તો સૌથી વધુ ખર્ચ પગાર એટલે કે મહેકમનો રૂા.345.66 કરોડનો રહેશે. જયારે વોટર વર્કસ નિભાવણી અને મરામત ખર્ચ રૂા.127 કરોડ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ખર્ચ રૂા.566 કરોડ, ડ્રેનેજ નિભાવ ખર્ચ રૂા.293 કરોડ, રોડ-રસ્તાનો ખર્ચ 80 કરોડ, શિક્ષણ સેવા ખર્ચ રૂા.278 કરોડ, બાંધકામ ખર્ચ રૂા.71 કરોડ, રોશની નિભાવ ખર્ચ રૂા.94 કરોડ, સુરક્ષા ખર્ચ 110 કરોડ સહિત કુલ મહેસુલી ખર્ચ 7487 કરોડ અને મુડી ખર્ચ રૂા.1476.28 કરોડ જેવો થવા પામે છે.
કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે તે એક કાયદાકિય પ્રક્રિયા ન બની રહે અને લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો પડઘો પાડવાનું શ્રેષ્ઠ માધ્યમ બની રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ઝડપી શહેરીકરણના કારણે રાજકોટ મહાપાલિકાની ભૂમિકા વધુને વધુ વ્યાપક બની રહી છે. શહેરની હદ અને વસ્તી સતત વધી રહ્યા છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા કોરોના મહામારીના ઉતરાધકાળમાં લોકોને વિશ્ર્વાસ યાત્રામાં સામેલ કરવાનું પ્રમોશન સરળ બને અને રાજકોટવાસીઓમાં પોતાના વિચારો અને અભિગમમાં બદલાવ લાવી શહેરની વિકાસયાત્રામાં સહભાગી બને તેવી વર્તમાન સમયની માંગ છે. વિકાસની દિશામાં રાજકોટ દિવસેને દિવસે એક અલગ જ ઓળખ ઉભી કરી ગૌરવ પ્રાપ્ત કરે તેવી અપેક્ષાઓ સાથે બજેટ રજુ કરવામાં આવ્યું છે. રંગીલું રાજકોટ નાગરિકોની અપેક્ષાઓ પરીપૂર્ણ કરવામાં સફળ રહે તેવું પણ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે.