મેઘરાજાનો પાછોતરો પ્રહાર: છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 49 તાલુકાઓમાં ઝાંપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ

નૈઋત્યનું ચોમાસુ હવે વિદાય લેવા તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસાના પાછા ફરતા પવનોએ પાછોતરો પ્રહાર ર્ક્યો છે. રાજ્યના 49 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આજે સવારથી પણ અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે. હજી ત્રણ દિવસ ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર હાલ નૈઋત્યનું ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. પાછા ફરતા ચોમાસુ પવનો દ્વારકા, મહેસાણા, ઉદયપુર, કોટા, ગ્વાલીયર, હરડોઈ નજીકથી પસાર થઈ રહ્યાં છે. આગામી મંગળવાર સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્ય વરસાદ વરસતો રહેશે. સૌરાષ્ટ્રમાં 113 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો હોવા છતાં હજી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતો નથી. છેલ્લા ચારેક દિવસથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.

લોકો દિવસભર પરસેવે નિતરી રહ્યાં છે. ગઈકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને વરસાદ તુટી પડ્યો હતો. રાજકોટમાં બપોરે એક જોરદાર ઝાંપટુ વરસી ગયા બાદ સમી સાંજે ફરી મેઘરાજાની એન્ટ્રી થવા પામી હતી. એક વધુ ઝાપટુ પડી જતાં રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. તાપીના વાલોદમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો.

ત્યારે પાલિતાણામાં દોઢ ઈંચ, વંથલી અને જૂનાગઢમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. વિસાવદરમાં પણ પોણો ઈંચથી વધુ વરસાદના કારણે પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન 49 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. આગામી સોમવાર સુધી હજી સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડશે. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.

આ વર્ષે ચોમાસાની સીઝનમાં કચ્છમાં 111.69 ટકા, ઉતર ગુજરાતમાં 71.69 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.01 ટકા, સૌરાષ્ટ્રમાં 114.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.87 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશ 95.66 ટકા વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.