અમેરિકાના દુશ્મન એવા છ દેશોને આમંત્રણ : ઇરાનના નેતૃત્વની તર્જ પર સરકાર બનાવી 60 વર્ષીય મુલ્લા અખુંદજાદાને સર્વોચ્ચ નેતા બનાવાશે
અબતક, નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં હાલ ઘરના ડાકલા અને ઘરના ભુવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણકેબિનઅધિકૃત તાલિબાન આજે પોતાની જાતે જ નવી સરકાર રચવાનું છે. આ સરકાર ઇરાનના નેતૃત્વની તર્જ ઉપર બનાવવામાં આવનાર છે. જેનું સુકાન 60 વર્ષીય મુલ્લા અખૂંદજાદાને સોંપવામાં આવનાર છે. આ સરકારની રચના વેળાએ આયોજિત સમારંભમાં અમેરિકાના દુશ્મન એવા છ દેશોને નિમંત્રણ પણ આપવામાં આવ્યા છે.
તાલિબાન કાબુલમાં ઇરાનની તર્જ પર નવી સરકારનું નિર્માણ કરવાનું છે. તાલિબાનના સૌથી મોટા નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદજાદાને અફઘાનિસ્તાનના ટોચના નેતા બનાવવામાં આવશે. ઇરાનમાં નેતૃત્વની તર્જ પર આ વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં સર્વોચ્ચ નેતા દેશના સૌથી મોટા રાજકીય અને ધાર્મિક પ્રાધિકારી હોય છે. તેનું પદ રાષ્ટ્રપતિથી ઉપર હોય છે અને તે સેના, સરકાર તથા ન્યાય વ્યવસ્થાના પ્રમુખોની નિયુક્તિ કરે છે. દેશના રાજકીય, ધાર્મિક અને સૈન્ય મામલામાં ટોચના નેતાનો નિર્ણય અંતિમ હોય છે. નવી સરકાર હેઠળ, ગર્વનર પ્રાંતોના પ્રમુખ હશે અને ‘જિલ્લા ગર્વનર’ પોતાના જિલ્લાના પ્રભારી હશે. તાલિબાનને પહેલાં જ પ્રાંતો અને જિલ્લા માટે ગર્વનરો, પોલીસ પ્રમુખો અને પોલીસ કમાંડરોની નિયુક્તિ કરી દીધી છે. નવા વહિવટીતંત્રનું નામ, રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાન પર અત્યારે નિર્ણય લેવાનો બાકી છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાને જાહેર પણ કરી દીધું છે કે ‘જો કોઇપણ ગત 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં પૂર્વવર્તી સરકારોમાં સામેલ હતા તેને નવા તાલિબાન વહિવટીમાં સ્થાન મળશે નહી. કાર્યક્રમમાં મિત્રો દેશોને પણ આમંત્રણ મોકલ્યા છે. તાલિબાને તુર્કી, ચીન, રશિયા, ઈરાન, પાકિસ્તાન અને કતારને આમંત્રણ મોકલ્યા છે. આ બધા જ દેશો તાલિબાનને નિરંતર ટેકો આપી રહ્યા છે એટલા માટે હવે જ્યારે સરકાર રચવા જઈ રહી છે ત્યારે તાલિબાન ઈચ્છે છે કે, આ તમામ દેશો અહીં ઉપસ્થિત રહે.અફઘાનિસ્તાનથી આવતા અહેવાલ મુજબ તાલિબાને તે 6 દેશોને તેમની સરકારની રચનાના સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યા છે, તાલિબાનોએ પાકિસ્તાન, ચીન, ઈરાન, તુર્કી, કતાર અને રશિયાને આમંત્રણ મોકલ્યા છે. સ્વાભાવિક છે કે, તાલિબાનની યાદી જોઈને સ્પષ્ટ થાય છે કે આ દેશોએ તાલિબાનને સંપૂર્ણ ટેકો આપ્યો છે.
કટ્ટરપંથીના ખભે બંદૂક રાખી પાકના નાપાક ઈરાદા
કટ્ટરપંથીઓના ખભે બંદૂક રાખી પાક પોતાના નાપાક ઈરાદાઓ પાર પાડવા ઈચ્છે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ મજબૂત બન્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનને પાકિસ્તાનની મદદ મળી હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ હાલ આઈએસઆઈના 200 આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે. તેઓ આઈએસઆઈ તરફથી કમાન્ડ મળે તેની રાહ જોઇને બેઠા હોવાનું જાણવા મળ્યું છે.