- મહાનગરપાલિકા ની ટિમ દ્વારા સર્વે કરીને શહેરમાંથી મંજૂરી વગરના જોખમી બોર્ડ ઉતારી લેવા માંગ
- એસ્ટેટ શાખા ની ટુકડીઓ કયારે કામગીરી કરશે તે એક મોટો સવાલ
જામનગરમાં કેટલાક મંજૂરી વગરના જાહેરાતના બોર્ડ લટકી રહ્યા છે, જે અકસ્માત નોતરે તેવી રીતે પડ્યા હોવાથી લોકો તેમજ વાહનચાલકો પર જોખમ તોડાયેલું રહે છે. જે અંગે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સત્વરે કાર્યવાહી કરવી જોઈએ, તેવી માંગ ઉઠી છે.
જામનગર શહેરમાં રોડની ડિવાઇડરની વચ્ચેના સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર કેટલીક પાર્ટીઓ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વિના પોતાની જાહેરાતના હોર્ડિગ લગાવી દેવામાં આવ્યા છે, અને તે ભયજનક રીતે લગાવાયેલા હોવાથી અકસ્માતના જોખમ રૂપે લટકી રહ્યા છે, અને રાહદારીઓ અથવા તો વાહન ચાલકોને આવા જાહેરાતના બોર્ડના કારણે અકસ્માતનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે.
આવા સંજોગોમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી દ્વારા તુરતજ સર્વે કરીને આવા મંજૂરી વગરના તમામ હોર્ડિંગ ઉતારી લેવા ની તાતી જરૂરિયાત છે. ઉપરાંત કેટલાક જોખમી રીતે લટકતા હોર્ડિંગને પણ યોગ્ય રીતે લગાવવા ની તાતી જરૂરિયાત છે.સાથોસાથ કેટલીક પાર્ટીઓ દ્વારા પોતાની મંજૂરીની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં પણ હજુ બોર્ડ ઉતારેલા નથી, તેવા તમામ જાહેરાતના પાટિયાને ઉતારી લેવા પણ માંગ ઉઠી છે.
રિપોર્ટર: સાગર સંઘાણી