ચંદ્રેશનગર ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ: કાલે પણ મવડી અને રૈયાધારમાં વિતરણ ખોરવવાની ભીતિ
નર્મદા યોજનાની એનસી-૩૨, એનસી-૩૩ અને એનસી-૩૪ પાઈપલાઈનમાં હાલ જીડબલ્યુઆઈએલ દ્વારા રીપેરીંગ તથા મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે રાજકોટને પાંચ દિવસ સુધી અપૂરતા અને અનિયમિત નર્મદાના નીર મળે તેવી જાહેરાત કરવામાં આવી છે.
દરમિયાન આજ સવારથી શહેરને નર્મદાનું પાણી મળવાનું સંપૂર્ણપણે બંધ થઈ જતા શહેરના ચંદ્રેશનગર ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. આવતીકાલે પણ વિતરણ ખોરંભે ચડે તેવી ભીતિ રહેલી છે.
આ અંગે વોટર વર્કસ શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નર્મદા યોજનાની એનસી-૩૨, એનસી-૩૩ અને એનસી-૩૪ પાઈપલાઈનમાં હાલ રીપેરીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. રાજકોટને અપુરતા પ્રમાણમાં નર્મદાના નીર મળે છે.
સ્થાનિક જળાશયોમાંથી વધારાનું પાણી ઉપાડી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવામાં આવી છે. આજે સવારથી રાજકોટને રૈયાધાર, બેડી અને કોઠારીયા ખાતે નર્મદાના નીર મળવાનું બંધ થઈ ગયું છે. આગામી ૨૪ કલાક સુધી નર્મદાના નીર બંધ રહેશે.
પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે આજે ન્યારી અને આજી ડેમમાંથી વધારાનું પાણી ઉપાડવામાં આવ્યું હતું. ન્યારી ડેમમાંથી દૈનિક ૪૦ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. આજે નર્મદા બંધ હોવાના કારણે ન્યારી ડેમમાંથી ૪૫ એમએલડી વધુ પાણી ઉપાડવામાં આવ્યું હતું.
જે એકસપ્રેસ ફીડર લાઈન મારફત રૈયાધાર ઝોનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું જયારે આજીડેમમાંથી પણ ૧૧૫ એમએલડી પાણી ઉપાડવામાં આવ્યું છે. વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે પુરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં આજે ૯ એમએલડીનો ઝોન ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં આજે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું
જો આજે મોડીરાત સુધીમાં નર્મદાનું પાણી શરૂ નહીં થાય તો આવતીકાલે પણ શહેરના રૈયાધાર અને મવડી ઝોનમાં પાણી વિતરણ ખોરવાઈ જાય તેવી ભીતિ રહેલી છે. હાલ રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીર ઠલવાઈ રહ્યા છે પરંતુ માત્ર એક પંપ દ્વારા પમ્પીંગ ચાલુ હોય પાણીની આવક ખુબ જ નહિવત છે.