- ફ્લ્લા પાસે રાજકોટ પાર્સિંગ કારમાંથી રોકડ રૂ.6 લાખ મળ્યા
- પોલીસ અને સ્ટેટેસ્ટીક ટીમે બીન હિસાબી રોકડ જપ્ત કરી ઈનકમ ટેક્સ વિભાગને જાણ કરી
જામનગર શહેરમાં બીન હિસાબી રોકડ રકમ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બે દિવસ પહેલા જ વ્હોરાના હજીરા પાસે રાજકોટ પાર્સિંગ કારમાંથી રૂપિયા 25 લાખથી પણ વધુ રોકડ રકમ પોલીસ અને સ્ટેટેસ્ટીક ટીમે વાહન ચેકિંગ દરમિયાન પકડી પાડી હતી ત્યારે ફરી ગઈકાલે જામનગરના ફલ્લા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન વધુ રૂ. 6 લાખ જેટલી બિન હિસાબે રકમ પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે રોકડ રકમ જપ્ત કરી ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવાની તજવીજ હાથધરી છે.
વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બિન હિસાબી રોકડ રકમની હેરાફેરી પર બાજ નજર રાખી છે.ત્યારે જામનગર સહિત ગુજરાતભરમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં તાજેતરમાં જ જામનગર શહેરના વ્હોરાના હજીરા પાસેથી સીટી બી ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન રાજકોટ પાર્સિંગની કારમાંથી બિનહિસાબી રૂા.25.91 લાખ કબ્જે કર્યા હતાં.
જે મામલો ઈન્કમ ટેક્સ વિભાગમાં પહોંચ્યો છે અને ફૈઝલભાઈ મેમણે વેપારના રૂપિયા હોવાનું જણાવ્યું હતું. જે અંગેની તપાસ હજુ ચાલુ છે. ત્યારે આજે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે પીએસઆઈ જે.પી.સોઢા સહિતની ટીમ તેમજ સ્ટેટસ્ટીક ટીમના અધિકારીઓ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રાજકોટ પાર્સિંગની આવતી એક ઈનોવા કારમાંથી રોકડ રૂા.6 લાખ મળી આવતાં પોલીસે કબ્જે કર્યા હતાં અને તેને પુછતા પોતાનું નામ રાજેશ છગનભાઈ સોલંકી અને ધાણાના વેપારી હોવાનું અને રોકડ રકમ વેપારની હોવાનું જણાવ્યું હતું. પરંતુ આધાર-પુરાવા આપી ન શકતા પોલીસે રોકડ રકમ કબ્જે કરી ઈન્કમ ટેક્સ વિભાગને જાણ કરી હતી.