સમસ્યાઓ તો દરેક ગામડાઓમાં નાની મોટી હોઈ શકે પણ પાયાની સુવિધા જ ન હોય તો…? અમે આજે આપ ને એક એવા ગામની મુલાકાત કરાવશું. જે ગામની વસ્તીની સાપેક્ષ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ની સંખ્યામાં ગુજરાતમાં સૌથી વધુ છે અને શિક્ષકો ઘટે છે.
ગીર સોમનાથ જિલ્લાના છેવાડે અને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની સરહદે આવેલું ઉના તાલુકાનું સૈયદ રાજપરા ગામ, જ્યાં સરકારના રેકર્ડ મુજબ ૧૨ હજારની વસ્તી છે. આ ગામ દરિયા કિનારા નજીક આવેલું હોઈ જેથી સમગ્ર ગામ મુખ્યત્વે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલું છે. માછીમારીના વ્યવસાયનાં કારણે અહીં આસપાસ ના ગામડાઓના અને તાલુકાઓના લોકો માઈગ્રેટ થઈને વેપાર કરવા માટે આ ગામમાં સ્થાયી થાય છે. જેને લઈ ને જોઈએ તો આ ગામની વાસ્તવિક જનસંખ્યા ૨૦ થી ૨૨ હજાર જેવી થાય છે..
ગામના અગ્રણીના કહેવા મુજબ આ ગામની પ્રાથમિક શાળા માં થોડા સમય પહેલા ૧૮૦૦ થી ૨૦૦૦ વિદ્યાર્થીઓ ની સંખ્યા હતી જે હાલ ઘટી ગઈ છે. જોકે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા પાછળ નું કારણ પણ કાંઈક અલગ જ છે. તો સાંભળએ શું કહે છે આ ગામના માજી સરપંચ…..
સૈયદ રાજપરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તો સામે આવ્યું કે આ ગામની પ્રાથમિક શાળામાં ૩૫ શિક્ષકોનો સેટઅપ છે. અને હાલ માત્ર ૧૬ જ શિક્ષક અહીં કાયમી ફરજ બજાવે છે.રિયાલિટી ચેક કરતા ધ્યાને આવ્યું કે ગામના બાળકોના ભવિષ્ય સામે તંત્રની અને શિક્ષણ વિભાગની કુંભકર્ણ નીતિ રીતિ ને કારણે વિધાર્થીઓનું ભવિષ્ય અંધકાર મય બનતું જાય છે. આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ની સંખ્યા હાલ ૧૩૦૦ની આસપાસ છે જે ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિ એ સૌથી મોટી પ્રાથમિક શાળા ગણાય.આ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોની સંખ્યા છે માત્ર ૧૬, એટલે કે ૭૦ ટકા શિક્ષકોની ઘટ. જેમાં પણ શાળાના આચાર્ય અને એક અંધ શિક્ષકને બાદ કરતાં ૧૪ જ શિક્ષકો આ શાળામાં ૧૩૦૦જેટલા વિદ્યાર્થીઓ ને હાલ ભણાવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત!!! તો આ ગામના એસએમસી ના સભ્ય પોતે પણ આ વાત સ્વીકારી કે તેઓના ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો ની ઘટ છે. અને અવારનવાર સરકાર તેમજ તંત્ર માં રજુઆત કરવા છતાં આ ગામના બાળકોના ભવિષ્યની વાત ઘોર નિંદ્રામાં સુતા તંત્ર ના બહેરા કાને પહોંચતી નથી.જો આગામી સત્ર સુધી આ પ્રાથમિક શાળા માં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન તાળા બંધી કરશું.
આ પ્રાથમિક શાળામાં એક પછી એક કલાસરૂમ અને ધોરણ ની મુલાકાત લીધી. મુલાકાત બાદ સામે આવ્યું કે એક જ શિક્ષક બે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ ને ભણાવે છે…જીહા અમે આપ ને જે દ્રષ્યો બતાવી રહ્યા છીએ તેમાં ધોરણ ૫ ના વિદ્યાર્થી બહાર લોબીમાં બેઠા છે અને ધોરણ ૪ ના વિદ્યાર્થી વર્ગખંડમાં. અને આ એ શિક્ષક જે પહેલા ધોરણ ૪ ના વિદ્યાર્થીનું હોમવર્ક ચેક કરે છે અને બાદમાં ધોરણ ૫ ના વિદ્યાર્થીનું હોમવર્ક. જ્યારે આ શિક્ષક ને પૂછવામાં આવ્યું કે તમે ક્યાં ધોરણ માં ભણાવો છો અને કેટલી સંખ્યા છે? તો સાંભળો શુ કહે છે આ મજબૂર અને લાચાર શિક્ષક….
એક બાજુ સરકાર ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ જેવા મોટામોટા રૂપકડા નામધારી કાર્યક્રમો પાછળ લાખો રૂપિયા વેડફે છે અને અહીં આ ગામમાં શિક્ષકોના ઘટતા સ્ટાફના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચિત રહી જાય છે. વાલીઓ પોતાના બાળકોને ભણવા માટે ખાનગી સ્કૂલોમાં મુકવા માટે મજબૂર બને છે.ઘણાં બાળકો તો અધવચ્ચે પોતાનું ભણતર છોડી ડ્રોપઆઉટ થઈ જાય છે. આજ ગામનો એક નાગરિક પોતાની અનુકૂળતાએ પ્રાથમિક શાળામાં બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે સેવા પણ આપે છે. તેઓના કહેવા મુજબ સૈયદ રાજપરા પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ શુન્ય તરફ જઈ રહ્યું છે જે એક મોટો ચિંતાનો વિષય છે.
સમસ્યા માત્ર અહીં જ ખતમ થતી નથી. સૈયદ રાજપરા ગામમાં સરકારે ૨૦૧૧માં માધ્યમિક શાળાની મંજૂરી તો આપી પણ ભૌતિક સુવિધા તો શૂન્ય જ છે, નથી માધ્યમિક શાળા નું બિલ્ડીંગ કે નથી અન્ય કોઈ પાયાની સુવિધાઓ. હાલ તો આ માધ્યમિક શાળાનાં બાળકો પણ પ્રાથમિક શાળા ના ઓરડામાં બેસીને અભ્યાસ કરે છે.
આ સરકારનાં ઓરમાયા ગામમાં વસ્તીના ધોરણ મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી. પેટા આરોગ્ય કેન્દ્ર છે પણ એમાં પણ મોટા ભાગે મણ એક નું તાળું લાગેલું હોય છે. જ્યારે આ ગામમાં આકસ્મિક રીતે કોઈ બનાવ બને તો અહીંથી ૧૨ કિલો મિટર દૂર નવાબંદર અથવા સાંમતેર જવું પડે છે.
પ્રાથમિક શાળાના મેદાનમાં ગાંડા બાવળો અને મસમોટો ખાડો આવેલો છે જેની પણ ગામ લોકો દ્વારા અનેક વખત રજુઆત કરાઈ છે. જે બહેરા તંત્રનાં કાને અથડાઈ ને પાછી ફરે છે.
અસુવિધાનો પર્યાય બની ગયેલા આ ગામ બાબતે હવે ગ્રામજનો જાગૃત થયા છે. નજીકના દિવસોમાં જો આ ગામની પાયાની જરૂરિયાત નહીં સંતોષાય તો ઉગ્ર લડત અપાશે તે બાબત નિશ્ચિત દેખાઈ રહી છે.