તાઉ – તે વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે ત્યારે સદીઓથી ઊભેલો અને અનેક કુદરતી આપત્તિ ભોગવી ચૂકેલો ઊના તાલુકાના કાજરડી ગામનો અણનમ ’ રાવણ તાડ ’ !
ગુજરાતના પશ્ચિમ ભાગનો છેવાડાનો તાલુકો ઊના અને એનું કાંઠાળ વિસ્તારનું ગામ, કાજરડીની પશ્ચિમ સીમમાં તાડનું એક ઝાડ છે. તેની ઊંચાઈનો કોઈ ચોક્કસ ક્યાસ કાઢી શકાયો નથી પણ ઘણાં કિલોમીટર દૂરથી પણ આ તાડ જોઈ શકાય છે. એટલા પંથકમાં સૌથી ઊંચું ઝાડ હોવાથી અહીં લોકો એને ’ રાવણ તાડ ’ કહે છે.
ઊનાથી દીવ જાઓ તો રોડની બંને બાજુ લાલ છાલના ફળ હોકાના ઝાડ ’ તાડ ’ જોવા મળે. સમયના કોઈ સ્તરે અહીં તાડના જંગલો હશે. એટલું જ નહીં ખૂબ ઊંચા તાડના વૃક્ષો પણ હશે. માનવ વસાહતો જેમ વસતી ગઈ હશે એમ આ ઝાડ કપાતાં ગયાં હશે. આજે તો નાશ: પ્રાય ઝાડની યાદીમાં આનો સમાવેશ છે ને તંત્રે રક્ષિત વૃક્ષોમાં જાહેર કર્યાં છે. ’ વિકાસ ’ અને કુદરતી વિનાશ વચ્ચે આ વાવાઝોડા બાદ તો એ સંખ્યા પણ હવે ઓછી થઈ ગઈ હશે. ત્યારે કાજરડી ગામનો આ ’ રાવણ તાડ ’ અનેક સદીઓની કથાઓ અને પરિવર્તનના પવનની વાતો પોતાની પાસે સાચવીને બેઠો છે.
કાજરડી ગામના કોઈપણ વૃધ્ધને પૂછો તો કહેશે કે અમે નાના હતા ત્યારથી આને આમનામ જોઈએ છીએ. 1982 ના વાવાઝોડા વખતે પણ ઘણી તારાજી સર્જાઈ હતી પણ ત્યારે પણ રાવણ તાડ અણનમ હતો. એક વાયકા એવી પણ છે કે રાવણનું એક માથું અહીં પડ્યું હતું અને એમાંથી ઊગેલું આ તાડ છે. એને ઘણાં ભૂકંપ અને વાવાઝોડા જોયા છે, એમાં એ પડ્યો નથી. વર્ષો પહેલાં થડ માંથી એને કાપવાનો પ્રયત્ન કર્યો હોય એવા કાપા જોવા મળે છે, પણ આજે તો એ ગામના ગૌરવ સમો ઊભો છે. ભગવાન કરે ને એને ’ વિકાસ ’ કે વિનાશની નજર ન લાગે!
આ ’રાવણ તાડ’ ઘણી પેઢી જોઈ ચુક્યો છે. કાજરડી ગામના વડીલો કહે છે આશરે 250 વર્ષ કરતા પણ આ વૃક્ષ જૂનું છે. અને કાજરડી ગામની ઓળખ જ ’રાવણ તાડ’ છે.