નગરપાલિકા ભવન સભાખંડમાં સામાન્ય સભા મળી પ્રગટયા બાદ ગામમાં હોળી પ્રાગટયની પરંપરા
ઉના નગરપાલિકાની સામાન્ય સભા તાજેતરમાં ઉના નગરપાલિકા ભવનના સભાખંડમાં મળેલ હતી. જેમાં આગામી નાણાંકીય વર્ષ: સને 2021-2022નું પુરાંત લક્ષી બજેટ સર્વાનુમતે મંજુર થયેલ હતું.
ઉના નગરપાલિકાના સૌથી નાની વયના પ્રમુખ જલ્પાબેન જેન્તીલાલ બાંભણીયાના અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં બજેટની સાથે ઉના શહેરના નગરજનોને આગામી સમયમાં અનેક વિકાસકામોની ભેટ આપતાં ઠરાવ પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને શહેરના દેલવાડા રોડ ઉપર ઓપન એર થિયેટરની બાજુમાં અધ્યતન કોમ્યુનીટી હોલ (ટાઉન હોલ)આગામી ટુક સમયમાં તૈયાર થનાર હોય, તેનું પણ લોકોર્પણ કરવામાં આવનાર છે. 500 સીટની બેઠક વ્યવસ્થા સાથે સંપૂર્ણ એરકંન્ડીશન એવા આ ટાઉનહોલ કે જે સૌરાષ્ટ્રના નગરપાલિકા શાસિત શહેરોમાં પ્રથમ ઉના શહેરમાં બનેલ છે.
તેવીજ રીતે દેલવાડારોડ ઉપર ટાઉનહોલની બાજુમાં જ અધ્યતન સુવિધામય એવા સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાના કામને મંજુરી અર્થે લગત વિભાગોમાં મોકલવામાં આવેલ હોય, મંજુરી મળ્યેથી આ કામની શરૂઆત પણ ટુક સમયમાં હાથ ધરી સને : 2021-22ના વર્ષમાં પૂર્ણ કરી નગરજનોની સુવિધા અર્થે ઉપલબ્ધ થનાર છે.
સાથો સાથ શહેરના જુના ગામતળ વિસ્તારમાં પાણીની નવી લાઇન, ડ્રેનેજ, રસ્તા પણ સ્ટ્રીટલાઇટના કામો નવેસરથી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ગુજરાત સરકારની જલ સે નલ યોજના હેઠળ નગરપાલિકા વિસ્તારમાં પીવાનું શુધ્ધ પાણી પ્રતિદિન નિયમીત રીતે મળી રહે તે માટેના ડીપીઆર મંજુરી અર્થે મોકલવામાં આવેલ છે. આ કામો પણ વર્ષ 2021-22માં પૂર્ણ કરવાની જોગવાઇ છે.
સને: 2021-22ના વર્ષની કુલ આવક રૂ.30, 64,95,000 થશે. જેની સામે રૂ.30, 43,95,000નો ખર્ચ થશે. આમ રૂ.21,00,000ની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.