સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયાઈકાંઠાના વિસ્તોરામાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઉનાના દરિયાઈ પટ્ટીના ખજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે. આથી ગામ પાણી પાણી થઈ ગયું છે.
તેમજ દરિયાઈ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ આજથી શરૂ થયો છે. કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. રાજુલા શહેરમાં પણ મૂશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રાજુલામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાલાલા અને શિહોરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, સોરઠિયા વાડી સર્કલ, રૈયા ચોકડી, દૂધ સાગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.