ચાર સંતાનના પિતાએ ચોકલેટ આપવાના બહાને બાળકીને હવસનો શિકાર બનાવી વિકૃતે બટકા ભરી લીધા’તા
માછીમારી કરતા કામાંધની પત્ની બાળકો સાથે રિસામણે જતા બાળકી પર દુષ્કર્મ આચર્યુ
ઉના તાલુકાના ચીખલી ગામની પાંચ વર્ષની માસુમ બાળકીને સાત દિવસ પહેલાં હવસનો શિકાર બનાવવાના ગુનામાં ઝડપાયેલા ચાર સંતાનના પિતાની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી ઉના નવાબંદર મરીન પોલીસ સ્ટાફે કરેલી સરાહનીય કામગીરીથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ત્વરીત કામગીરી કરનાર ઉના નવાબંદર મરીન પોલીસ મથકના સ્ટાફની પીઠ થાબડી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર કાળુ અભુ ભાલીયા નામના 45 વર્ષના ઢગાએ તેના જ ગામની પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ દઇ તેના મકાન પાછળ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારી હોઢ પર બટકા ભરી લેતા બાળકીએ મોટા અવાજ સાથે બાળકી રડવા લાગતા ત્યાંથી પસાર થતી એક મહિલાએ બાળકીને હવસખોરના સકંજામાંથી બાળકીને બચાવી તેના ઘરે પહોચી કરી હતી.
ઉના નવાબંદર મરીન પોલીસ મથકના પી.એસ.આઇ. એ.બી.વોરા, એએસઆઇ કે.બી.પરમાર, જોરૂભા મકવાણા, રાજેન્દ્રભાઇ વાજા, કાનજીભાઇ વાણવી, હસમુખભાઇ ચાવડા, ગોવિંદભાઇ વાળા અને વિજયભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે વિકૃત માનસના કાળુ અભુ ભાલીયાની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તાત્કાલિક ફોરેન્સિક અભિપ્રાય મેળવ્યા હતા અને નજરે જોનાર મહિલાના નિવેદન સહિતના પુરાવા એકઠા કરી માત્ર સાત જ દિવસમાં કાળુ અભુ ભાલીયા સામે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કર્યુ છે.
કાળુ અભુ ભાલીયાની પત્ની છ માસ પહેલાં પતિ સાથે ઝઘડો થતા બે પુત્ર અને બે પુત્રી સાથે રિસમાણે જતી રહી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને ડીવાય.એસ.પી. વી.આર.ખેંગાર સહિતના સ્ટાફે ઉના નવાબંદર મરીન પોલીસ મથકના સ્ટાફે સાત જ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી કરેલી ત્વરીત કામગીરીની પસંશા કરી પીઠ થાબડી છે.