ઉમરેઠના રામ તળાવ પાસેથી શનિવારે ત્યજી દેવાયેલું મૃત નવજાત મળી આવ્યું હતું. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ મંદિરમાં કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી શરીર સુખ માણી ગર્ભવતી બનાવતા શિશુને જન્મ આપ્યો હોવાના આક્ષેપ સાથેનો વીડિયો વાઈરલ થયો છે.
જેને ઉમરેઠના રામ તળાવ પાસે ત્યજી દેવામાં આવ્યું હતું. જે બાબતની ઉમરેઠ પોલીસને જાણ થતા તપાસ આરંભી હતી. મૃત નવજાતને પીએમ માટે પોલીસે મોકલી આપ્યો હતો. ઉમરેઠ પોલીસે શકમંદ યુવતીની પૂછપરછ કરી હતી. બાદમાં યુવતીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવી હતી.
ઉમરેઠમાં સોશિયલ મીડિયામાં નવજાત શિશુ અંગે આજે વીડિયો વાયરલ થયા હતા. જેમાં કરાયેલાં આક્ષેપો મુજબ, યુવતીના પિતા સહિત પરિવારજનો વર્ષોથી ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરમાં કામકાજ કરતા હતા અને યુવતી પણ ત્યાંજ કામ કરવા જતી હતી. જેમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા દ્વારા યુવતીને સાત મહિના અગાઉ લાલચ આપીને ફોસલાવીને તેની સાથે શરીર સુખ ભોગવ્યું હતું અને કોઈને પણ કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. સ્વામિનારાયણ મંદિરના પૂજારી દ્વારા યુવતીને વારંવાર બોલાવીને તેની સાથે શરીર સુખ સંબંધ બાંધવામાં આવ્યો હતો. જેને કારણે યુવતીને ગર્ભ રહી ગયો હતો. આખરે યુવતીને નવજાત શિશુ મૃત્યુ અવસ્થામાં જન્મ્યું હતું.
ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી દ્વારા સ્થાનિક યુવતી પર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવવાના કેસમાં ઉમરેઠ પોલીસ દ્વારા પીડિતાનું નિવેદન લીધા બાદ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાંતિ વાઘેલાની ઉમરેઠ પોલીસે ધરપકડ કરી છે. ઉમરેઠ પોલીસ દ્વારા આરોપીના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. પીડિતા પર બળાત્કાર ગુજારવાને કારણે પીડિતા સગર્ભા થઈ હતી. બે દિવસ પહેલા જ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકના DNA સાથે આરોપીના DNA મેચ કરવામાં આવશે.