ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હીરો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી રહ્યો હતો. આ મેચમાં 6 ઓવર બોલિંગ કરીને 3.00ની ઈકોનોમી સાથે 18 રન આપ્યા અને 3 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. શમીને આ શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચએવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું માનવું છે કે ઉમરાન મલિકનું ભવિષ્ય ઉજ્જવળ છે, કારણ કે તેની પાસે ઝડપ છે. જો આ યુવા ઝડપી બોલર પોતાની લાઇન અને લેન્થ પર કામ કરે તો તે દુનિયા પર રાજ કરી શકે છે. જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાને પોતાની ગતિથી પ્રભાવિત કર્યા છે. તે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે પરંતુ હાલ તે લાઇન અને લેન્થ મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે.
મેચ બાદ ઉમરાન સાથે વાત કરતા મોહમ્મદ શમીએ કહ્યું, ‘હું તમને એક જ સલાહ આપવા માંગુ છું. મને નથી લાગતું કે તમારી પાસે જે ગતિ છે તેની સામે રમવું સરળ છે. આપણે ફક્ત લાઇન અને લેન્થ પર થોડું કામ કરવાની જરૂર છે. જો આપણે તેના પર નિયંત્રિત કરી શકીએ, તો આપણે વિશ્વ પર રાજ કરી શકીએ એમ છીએ.
શમીએ કહ્યું, ‘તમારામાં પાસે ઘણી તાકાત છે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. ભવિષ્ય માટે શુભકામનાઓ. આશા છે કે તમે તમારું સારું પ્રદર્શન ચાલુ રાખશો.