હાથી, ઘોડા, ઊંટ સાથેની વિશાળ શોભાયાત્રા, વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરી ગંગાજળથી ભરેલા નિધી કળશ તથા શ્રીયંત્રનું મહાપુજન ઉપરાંત શ્રી શતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન
અબતક, અમદાવાદ
અમદાવાદના સોલામાં આજે પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ સોલાના આ કાર્યક્રમમાં ઊમિયાધામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, મંદિરનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે માતાજીના આશીર્વાદ હોય, જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર અને મારી ટીમ હાજર હશે, દરેક સમાજના ઉત્થાન માટે સરકાર કટિબધ્ધ છીએ. આવનારા દિવસોમાં ફાઇનાન્સમાં ખુબ મોટું રોટેશન થવાનું છે.
ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ અને સ્ટેજ પરથી નીતિન પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમને કહ્યું કે, ભૂપેન્દ્રભાઇ જેટલા નમ્ર વ્યક્તિ મે આજ સુધી જોયા નથી. હું તેમને રોજ ટીવી પર જોઉં છું. ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તે મારા ઘરે પ્રોટોકોલ તોડીને મને મળવા આવ્યા હતા, તેમને કહ્યું હતુ કે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નીતિન પટેલે વધુમાં કહ્યું વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખવી પડશે. વિરાટ સ્વરૂપ ત્યારે બતાવી શકીએ જ્યારે સમાજમાં એકતા હોય.
અમદાવાદના સોલા વિસ્તારમાંમાં ઉમિયાધામ આવેલ છે. ઉમિયાધામ કેમ્પસમાં સમાજના વિકાસ માટે પ્રવૃત્તિ ચાલે છે. પરંતુ હવે આ ઉમિયાધામ કેમ્પસનું નવનિર્માણ થશે. કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસ અને ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત શ્રીખોડલધામ કાગવડ, સમસ્ત પાટીદાર સંસ્થા, સરદાર ધામ ટ્રસ્ટ, શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર, પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, ઉમિયા માતાજી મંદિર કચ્છ, શ્રી શ્રી ઉમિયાધામ મધ્ય પ્રદેશ સહિતની સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે જેમાં ઘણા ભાઈ-બહેનો રહી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
સોલા ઉમિયાધામ કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત લાતભ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે. ઉમિયાધામ કેમ્પસમાં અંદાજિત 52 સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્વેટ હોલ બનાવવાના છે. ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે. તેમજ અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે. મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે. તેમજ ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે. જેમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિંગ હશે.
ઢોલ-નગારાના નાદ સાથે કળશ નિધિનું ઉત્સાહભેર સ્વાગત કરાયું
વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ ગત તારીખ 29 ફેબ્રુઆરી 2020 ના રોજ સંપન્ન થયેલ હતો. તે દરમિયાન 108 નિધિ કળશનું પૂજન કરવામાં આવેલ અને તે માના અમુક નિધિ કળશને અમેરિકા તથા કેનેડામા કળશ પરિભ્રમણ તથા પૂજન હેતુ મોકલવામાં આવેલ હતો. જ્યારે તારીખ 22. 11. 2021 ના રોજ વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણનું કાર્ય પ્રારંભ થવા જઇ રહેલ છે, ત્યારે તેમાંથી શિકાગો તથા મેરીલેન્ડ.યુ, યુએસએ,ના નિધિ કળશ અમેરિકાથી સંસ્થાના ઉપપ્રમુખ વી.પી.પટેલ લઈને એરપોર્ટ અમદાવાદ પર પધારેલ, જ્યાં તેમનું સંસ્થાના ઉપપ્રમુખ ડી .એન.ગોલ, મહિલા સંગઠન કમિટીના ચેરપર્સન ડો. રૂપલબેન પટેલ, પ્રિતીબેન પટેલ, સંગઠન મંત્રી વિક્રમભાઈ પટેલ, પશ્ચિમ રિજિયન તથા પૂર્વ રિજિયન- સંગઠનના હોદ્દેદારો તેમજ તમામ કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહપૂર્વક ભવ્ય ઢોલ-નગારા સાથે કળશ નિધિનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ખરેખર સંગઠનની ટીમે જે રાત દિવસ મહેનત કરીને જે કાર્ય કરી રહી છે ,તે ખરેખર બિરદાવવવાને પાત્ર છે. અને તમામ ટીમને સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ સાહેબે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યાં હતાં.