ઉમેશ પાલ પર પ્રથમ ગોળી ચલાવનાર અતિક અહેમદ ગેંગનો શૂટર હતો ઉસ્માન
હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને કૌધિયારા પોલીસની સંયુક્ત ટીમે વહેલી સવારે પ્રયાગરાજ જિલ્લાના ટ્રાન્સ-યમુના પોકેટમાં કૌધિયારા વિસ્તાર નજીક એક એન્કાઉન્ટરમાં ઉમેશ પાલ હત્યા કેસના સંબંધમાં વોન્ટેડ શૂટરને ઠાર માર્યો હતો.
માર્યા ગયેલા શૂટરની ઓળખ વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન તરીકે થઈ છે, તે ધૂમનગંજનો રહેવાસી હતો. તેની ઉપર ૫૦ હજા રૂપિયાનું રોકડ ઈનામ મુકવામાં આવ્યું હતું. આ અથડામણમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ જણાવ્યું હતું કે, ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ ગુનેગારોએ ટ્રાન્સ-યમુના પોકેટમાં આશ્રય લીધો હોવાની સૂચના પર કાર્યવાહી કરીને એસઓજી અને કૌધિયારા પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અતીક અહમદના માણસોએ અલ્હાબાદમાં ઉમેશ પાલનીની જમીન પચાવી પાડી હતી, તેને ખાલી કરવા માટે ૧ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
પોલીસ સાથે ગોળીબારમાં ઉસ્માન ઘાયલ થયો હતો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસ કમિશનર શર્માએ જણાવ્યું હતું કે, ઉસ્માન પહેલો શૂટર હતો જેણે ઉમેશ પાલ અને તેના એક પોલીસ ગનર્સ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. વિજય ચૌધરી ઉર્ફે વિજય પાલનું નામ હોવા છતાં માર્યા ગયેલા ગુનેગાર અતિક ગેંગમાં ઉસ્માન તરીકે ઓળખાતો હતો.
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ અને એસટીએફ તૈનાત કરવામાં આવી છે. પોલીસે આરોપીને ગોળી મારી છે અને આ બાબતની તપાસ કરી રહી છે.
અગાઉ અન્ય એક ગુનેગાર અરબાઝ ગોળીબારમાં સામેલ ગયા અઠવાડિયે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો જ્યારે અન્ય એક સદકત, જે કથિત રીતે કાવતરું રચવામાં સામેલ હતો, તેની એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.