વ્યાપમ સહિતના ગોટાળામાં નામ ઉછળતા કેન્દ્રીય મંત્રી ‘સાધ્વી’ ઉમા ભારતીને જાણે ‘સ્મશાન વૈરાગ્ય’ લાગ્યો હોય તેમ ‘રાગ વૈરાગ’ આલાપ્ત રહ્યા છે. તેમણે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમણે કહ્યું કે, વ્યાપમ સ્કેમમાં મારું નામ નાહકનું ઉછાળવવામાં આવ્યુંં છે. તેમણે વાત વાતમાં ઈશારો આપ્યો હતો કે કેન્દ્રમાં તેમની પાસે જે પોર્ટ ફોલિયો છે તે સંભાળવવામાં તેઓ ઉત્સાહી નથી. જોકે તેમણે પોતાની નાદુરસ્તીનો હવાલો આપીને કેન્દ્રમાંથી પુન:મધ્યપ્રદેશ આવવાનો સંકેત આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તેઓ કેન્દ્રમાં જળ સિંચાઈ મંત્રી છે. ગંગા સફાઈ અભિયાનમાં વિલંબ મામલે તેમણે ઉપવાસ આંદોલનની પણ ચીમકી આપી હતી. પરંતુ અચાનક તેમણે યુ-ટર્ન લીધો છે અને સ્મશાની વૈરાગ્ય લાગ્યો છે.
તેમણે વ્યાપમમાં તેમનું નામ ઢસડવા સામે કોઈની સામે આંગળી ચીંધી ન હતી. ઉમા ભારતીના નિવેદન બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસે પલટવાર કર્યો હતો કે તેઓ બધુ ગોખેલું બોલી રહ્યા છે. ભાજપના ચાવવાના ને બતાડવાના દાંત જુદા છે. સ્કેમથી ધ્યાન ભટકાવવા માટે તેઓ આવા ‘નાટકિયા નિવેદનો’ કરી રહ્યા છે.