સંસદમાં કાયદો પસાર કરી સરકારે રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવો જોઈએ: વિશ્વ હિન્દુ પરિષદ
અયોધ્યામાં રામમંદિર બનાવવા મુદે વડી અદાલતમાં વિવાદની સૂનાવણી આગામી ૨૯ ઓકટોબરથી હાથ ધરાવાની છે. તે પહેલા તા.૩૧ જાન્યુઆરી સુધીમાં સંતોએ સરકારને મંદિર નિર્માણ માટેનું અલ્ટીમેટમ આપ્યું છે.
લોકસભાની ચૂંટણી પહેલા રામમંદિર બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને સંતોએ સરકાર ઉપર દબાણ લાવવાનં શરૂ કર્યું છે. ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં માંગણી કરાઈ હતી કે, સરકારે સંસદમા કાયદો પસાર કરી રામમંદિર બનાવવાનો માર્ગ મોકળો કરવો જોઈએ. આગામી તા.૧ ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં ધર્મ સંસદનું આયોજન કરવા પણ બેઠક દરમિયાન તખ્તો ઘડવામાં આવ્યો હતો.
સંતોનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતુ, અને રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવાની મંજૂરી આપતો કાયદો બનાવવા રજૂ આત કરી હતી. આ ઉપરાંત રામમંદિર માટેની ચળવળ ચલાવતા સ્વામી વાસૂદેવનંદે માંગ કરી હતી કે, વડાપ્રધાને જરૂરી પડે તો લોકસભા અને રાજયસભાનું સંયુકત સત્ર બોલાવી કાયદો બનાવવો જોઈએ.
સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્ર સરકારને તા.૩૧ જાન્યુઆરી સુધીમાં રામમંદિર નિર્માણનું અલ્ટીમેટમ આપતા હવે લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારમાં આ મામલો મુખ્ય રહે તેવી શકયતા છે. વિશ્વ હિન્દુ પરિષદના અલ્લેક કુમારે કહ્યું છે કે જો રાહુલ ગાંધી પોતાને રામ ભકત ગણાવતા હોય તો જે તેમણે પણ આ મુદે ટેકો આપવો જોઈએ.
અહી ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંઘના વડા મોહન ભાગવતે પણ કહ્યું કે, રામ મંદિર તોડવામાં આવ્યું હતુ તે હકિકત છે. દરેકે આ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. ભગવાન રામ આસ્થાના પ્રતિક છે. વિના વિલંબે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય તેવું દેશ ઈચ્છે છે.એક વખત રામ મંદિર બની જશે તો પરસ્પર વિવાદના મોટા કારણનો કાયમ માટે અંત આવશે.