યુએસ સુપ્રીમ કોર્ટે બાઇડેન પ્રશાસનને આપ્યો ઝટકો: બંદૂક રાખવાને મૂળભૂત અધિકાર ગણાવ્યો !!
યુએસ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ન્યૂયોર્ક ગન એક્ટને ફગાવી દીધો જે એક સદી કરતા પણ વધુ સમય પહેલા ઘડવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ લોકો લાયસન્સ વગર ઘરની બહાર હથિયાર લઈ જઈ શકતા ન હતા. બંદૂકના અધિકારોના સંદર્ભમાં આ એક મોટી સિસ્ટમ છે. કોર્ટના ન્યાયાધીશોનો નિર્ણય 6-3 મતના વિભાજનના આધારે આવ્યો હતો.
અમેરિકામાં મોબ ફાયરિંગની ઘટનાઓને કારણે ત્યાં ખુલ્લેઆમ બંદૂક રાખવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી તેજ બની છે. દરમિયાન ન્યૂયોર્ક સ્ટેટ રાઈફલ એન્ડ પિસ્તોલ એસોસિએશન વિ. બ્રુએન કેસમાં યુએસ સુપ્રીમ કોર્ટે જો બિડેન પ્રશાસનને ઝાટકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, અમેરિકનોને બંદૂક લઈ જવાથી રોકી શકાય નહીં. તેમજ તેમાં કોઈ શરત ઉમેરી શકાતી નથી. બંદૂક રાખવી એ અમેરિકનોનો મૂળભૂત અધિકાર છે.
અમેરિકામાં તાજેતરના સામૂહિક ગોળીબારની ઘટનાઓને કારણે બંદૂક નિયંત્રણની માંગને લઈને પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે ગન કલ્ચર પર રોકની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે હથિયાર રાખવું એ અમેરિકાના નાગરિકનો મૂળભૂત અધિકાર છે તેવો ઉલટી ગંગા જેવો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ ક્લેરેન્સ થોમસે ચુકાદો આપતા લખ્યું છે કે, ન્યુયોર્ક એવા અરજદારોને જાહેરમાં બંદૂક રાખવાનું લાઇસન્સ આપે છે જેઓ સ્વ-બચાવમાં આવું કરવાની પરવાનગી માંગે છે. રાજ્યની લાઇસન્સ સિસ્ટમ બંધારણનું ઉલ્લંઘન કરે છે.આ નિર્ણય પછી લોકો અમેરિકાના મોટા શહેરો, જેમાં ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને બોસ્ટન તેમજ અન્ય સ્થળો પર કાયદેસર રીતે હેન્ડગન લઈને જઈ શકશે. અમેરિકાની એક ક્વાર્ટર વસ્તી એવા રાજ્યોમાં રહે છે જ્યાં આ સિસ્ટમ અસરકારક રહેશે. ગન કલ્ચર પર એક દાયકાથી વધુ સમય બાદ સુપ્રીમ કોર્ટનો આ પહેલો નિર્ણય છે. કોર્ટનો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે કોંગ્રેસ ટેક્સાસ, ન્યૂ યોર્ક અને કેલિફોર્નિયામાં તાજેતરના સામૂહિક ગોળીબાર બાદ હથિયારોના કાયદા પર સક્રિયપણે કામ કરી રહી છે.
સુપ્રીમના ચુકાદાથી રાષ્ટ્રપતિ જો બિડેન નારાજ !!
રાષ્ટ્રપતિ જો બિડેન ખુદ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી નારાજ છે. તેમનું કહેવું છે કે આ સામાન્ય સમજ વગર લેવાયેલો નિર્ણય છે. બધાએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવવો જોઈએ. બાયડેન ગન કલ્ચરનો અંત લાવવા માંગતા હતા. તેમનું માનવું હતું કે ગન કલ્ચરનો અંત આવવો જોઈએ અથવા તો બંદૂક ખરીદવાની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવી જોઈએ.
જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની જેમ અમેરિકામાં ગન ખરીદી શકાય છે !!
અમેરિકામાં ગન કલ્ચરનો ઈતિહાસ લગભગ 230 વર્ષ જૂનો છે. 1791 માં બંધારણના બીજા સુધારા હેઠળ અમેરિકન નાગરિકોને હથિયાર રાખવા અને ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ કલ્ચરની શરૂઆત અમેરિકામાં ત્યારે થઈ જ્યારે કાયમી સુરક્ષા દળનું અસ્તિવ ન હતું એટલા માટે લોકોને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે હથિયાર રાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકાનો આ કાયદો આજે પણ ચાલુ છે.