આખા ગામને ફાયર સેફટી અંગે નોટિસ ફટકારનારા

એનસીબીના નોર્મ્સ મુજબ એક પણ કચેરીમાં ફાયર સેફટીના પુરતા સાધન ન હોવાનો પર્દાફાશ, માત્ર સામાન્ય બાટલા હોવાનું જ માલુમ પડ્યું: ક્ધસ્લ્ટન્ટના રિપોર્ટ બાદ હવે ફાયર સેફટી અંગે સુવિધા ઉભી કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરભરમાં ફાયર સેફટી મામલે બિલ્ડીંગો, હોસ્પિટલો, હોટલ, રેસ્ટોરન્ટ, રહેણાંક વિસ્તાર, કોમર્શીયલ વિસ્તારને આડેધડ નોટિસ ફટકારવામાં આવી રહી છે. બીજી તરફ જ્યાં રોજ હજ્જારો લોકો અવર-જવર કરે છે અને શહેરના મહત્વપૂર્ણ રેકોર્ડો જ્યાં સચવાયેલા છે એવી મહાપાલિકાની  ત્રણેય ઝોન કચેરી પૈકી એક પણ ઝોન કચેરીમાં ફાયર સેફટીના પુરતા સાધનો ઉપલબ્ધ ન હોવાનો પર્દાફાશ થયો છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ બાજ આજે ક્ધસલટન્ટને સાથે રાખી આત્રે કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરીએ અધિકારીઓ દ્વારા ફાયર સેફટીના સાધનો અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નોમ્સ મુજબ એક પણ પુરતા સાધન નથી. માત્ર સામાન્ય બાટલા ગોઠવી દેવામાં આવ્યા હતા. તેમાં પણ ગેસ છે કે નહીં તે પણ તપાસવાની તસ્દી લેવામાં આવી નથી. ટૂંકમાં કહી શકાય કે, કોર્પોરેશનની ઝોન કચેરી પાસે જ ફાયર સેફટી એનઓસી નથી અને હોય તો તેને રિન્યુ કરાવવામાં આવ્યું નથી.

શહેરની ઉદય કોવિડ કેર હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બાદ અદાલતની આકરી ઝાટકણી અને રાજ્ય સરકારના હુકમ બાદ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ફાયર સેફટી અંગે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને અંદાજે ૮ હજારથી વધુ રેસીડેન્સ બિલ્ડીંગ, ટ્યુશન કલાસ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, પેટ્રોલપંપ સહિતનાને ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી છે. આટલું જ નહીં તમામ હાઈરાઝઈડ અને લોરાઈઝડ બિલ્ડીંગોને ફાયર સેફટીના પુરતા સાધનો વસાવી લેવા નોટિસ આપવામાં આવી છે. ગામના એક એક વાંકા અંગો શોધવા નિકળેલી મહાપાલિકાના અઢારેય અંગ વાંકા હોવાનું બહાર આવ્યું છે.

જ્યાં મ્યુનિ.કમિશનર સહિતના અધિકારી અને ચૂંટાયેલી પાંખ બેસે છે તેવી કોર્પોરેશન સેન્ટ્રલ ઝોનમાં ફાયર સેફટીના પુરતા સાધન નથી. આ ઉપરાંત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વેસ્ટ ઝોન કચેરી અને સામાકાંઠે ભાવનગર રોડ પર ઈસ્ટ ઝોન કચેરીમાં પણ ફાયર સેફટીના પુરતા સાધન નથી. બિલ્ડીંગની ઉંચાઈ મુજબ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા નથી કે આગ બુઝાવવા માટે સ્ટ્રીકલ રાખવામાં આવ્યા નથી. આટલું જ નહીં. ઝોન કચેરીમાં ફાયર સેફટીના નામે માત્ર સામાન્ય બાટલા ગોઠવી દેવાયા છે. તેનાથી વિશેષ કંઈ નથી જો કોઈ દિવસ આગ લાગવાની ઘટના બને તો ઝોન કચેરીએ જ મોટી ખુવારી સર્જાવાની દહેશત રહેલી છે.

આજે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ક્ધસલટન્ટને સાથે રાખી ત્રણેય ઝોન કચેરી ખાતે ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નોમ્સ મુજબ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા શું શું ખુટે છે તે અંગે ક્ધસલટન્ટને દ્વારા આગામી એક અઠવાડિયામાં રિપોર્ટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક દસકામાં મહાપાલિકા દ્વારા જે બિલ્ડીંગોનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં ફાયર સેફટીની પર્યાપ્ત સુવિધા છે. આ માટે જે ક્ધસલટન્ટની નિમણૂંક કરવામાં આવી હતી તે ક્ધસલટન્ટ હવે ઝોન કચેરીએ ફાયર સેફટીની ક્ષતિઓ દૂર કરવા માટે શું કરવાની આવશ્યકતા છે તેનો રિપોર્ટ આપશે. ત્યારબાદ ઝોન કચેરીની આગ સામે સલામત કરવાની પ્રક્રિયા શરૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.