યુક્રેનના નાયબવિદેશ મંત્રી એમિન ઝાપારોવા આવતા સપ્તાહે ભારત આવે તેવી શક્યતા, વિદેશ મંત્રી સાથે બેઠક યોજી મધ્યસ્થી કરાવવાની મદદ માંગશે

રશિયન સેનાના હુમલા બાદ યુક્રેન સરકારના મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અહેવાલ છે કે નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા આવતા સપ્તાહે ભારત આવી શકે છે. એવી અટકળો છે કે આ દરમિયાન તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કિવ આવવાનું આમંત્રણ પણ આપી શકે છે.  સાથે મદદ માટે ખોળો પણ પાથરી શકે છે.

રિપોર્ટ અનુસાર, ઝાપારોવા ભારતીય અધિકારીઓને મળશે અને યુદ્ધ પરના સેશનમાં હાજરી આપશે.  તેણીની ભારત મુલાકાત દરમિયાન, તે અધિકારીઓ સાથે સપ્ટેમ્બરમાં જી20 સમિટમાં ભાગ લેવાના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની સંભાવના વિશે પણ ચર્ચા કરી શકે છે.  અત્યાર સુધી, ભારતે ઝેલેન્સકીને સમિટ માટે આમંત્રણ આપ્યું નથી.  આ દરમિયાન તે યુદ્ધની અસરો અંગે ચર્ચા કરશે અને ભારતનું સમર્થન માંગશે.

ખાસ વાત એ છે કે યુક્રેને ભારત સાથે વાતચીત ચાલુ રાખી છે. રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે ઘણી વખત વાત કરી છે. અહીં વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના સમકક્ષ દિમિત્રો કુલેબા સાથે પણ વાતચીત કરી છે.  આ સિવાય યુક્રેને પણ માનવતાવાદી સહાય માટે ભારતનો આભાર માન્યો છે.

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં રજૂ કરાયેલા રશિયન પગલાનો વિરોધ કરતા ઠરાવ પર ભારતે વોટિંગ કરવાથી દૂર રહ્યું.  એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન આના પર ખૂબ જ નિરાશ હતું.  અહીં, ભારત સતત કહી રહ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ શાંતિ પહેલને સમર્થન આપશે.  તે જ સમયે, પીએમ મોદીએ ડિસેમ્બરમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે ભારત શાંતિના પ્રયાસોને સમર્થન આપશે અને માનવતાવાદી સહાય ચાલુ રાખવાનું વચન આપ્યું હતું.

ઝાપરોવાની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે રશિયાના ઘણા મોટા નામ પણ ભારત આવવાની તૈયારી કરી રહ્યા છે.  રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ પણ 5 મેના રોજ એસસીઓની બેઠક માટે આવવાના છે.  જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જુલાઈમાં ભારતની મુલાકાતે આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.