યુદ્ધના વાદળો વિખેરાયા?: યુક્રેન ખીલે બંધાઈ જશે?
બન્ને દેશોનું પ્રતિનિધિ મંડળ બેલારૂસ-યુક્રેન સરહદ નજીક પ્રિપયત નદી પાસે કરશે બેઠક મંત્રણા સફળ નહિ રહે તો વિશ્વયુદ્ધનું જોખમ વધશે
અબતક, નવી દિલ્હી
એકલું પડેલું યુક્રેન અંતે રશિયા સાથે સંધિ કરવા સંમત થયું છે. બન્ને દેશો વચ્ચે બેઠક નક્કી થઈ છે. જો કે આ બેઠક ક્યારે યોજાશે તે અંગે કોઈ ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો નથી. પણ હવે બેઠકના કારણે યુદ્ધના વાદળો વિખેરાયા હોય તેવી શકયતા વધી છે. પણ સામે મંત્રણાના કારણે યુક્રેન રશિયાના ખીલે બંધાઈ જશે. બીજી બાજુ આ મંત્રણા સફળ નહિ રહે તો વિશ્વ યુદ્ધનું જોખમ વધી શકે છે.
રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવમાં પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને મળશે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના કાર્યાલયે જણાવ્યું હતું કે બેલારુસિયન સરહદ પર બંને પક્ષો મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે બેઠક માટે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી. યુક્રેન તરફથી આ પ્રતિક્રિયા રશિયાએ રવિવારે જાહેરાત કરી કે એક પ્રતિનિધિમંડળ મંત્રણા માટે બેલારુસ જવા રવાના થયાના કલાકો બાદ આવ્યો છે.
યુક્રેનના અધિકારીઓએ અગાઉ દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે મંત્રણા બેલારુસ કરતાં બીજે થવી જોઈએ કારણ કે રશિયાએ બેલારુસમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે.આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન પરમાણુ ડિટરન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો.તેમણે નાટોમાં સામેલ દેશોના ’આક્રમક નિવેદનો’ના જવાબમાં આ આદેશ આપ્યો છે.
યુક્રેન સાથે મંત્રણા માટે તૈયાર થયેલા રશિયન રાષ્ટ્રપતિએ શનિવારે એક એવી શરત મૂકી હતી, જેના કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. પુતિને કહ્યું હતું કે જો યુદ્ધ રોકવું છે અને વાટાઘાટોના ટેબલ પર આવવું છે, તો યુક્રેનની વર્તમાન સરકારને હટાવી દેવી જોઈએ અને સેનાને પોતાના હાથમાં લેવી પડશે. પુતિને કહ્યું કે અમે યુક્રેનમાં આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ. તેણે યુક્રેનની સરકારને ડ્રગ્સની આદી અને નાઝી તરફી ગણાવી હતી. સેનાને અપીલ કરતા તેમણે કહ્યું કે વર્તમાન સરકારને હટાવીને સેનાએ દેશની કમાન સંભાળવી જોઈએ.
રશિયા સાથે શાંતિપૂર્ણ વાટાઘાટ યોજવા માટે તૈયાર થઈ ગયા છે. બેલારુસના એલેક્ઝેન્ડર લુકાશેન્કો સાથે ફોન પર વાતચીત કર્યા બાદ ઝેલેન્સ્કીના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ બેલારુસ-યુક્રેન સરહદ નજીક પ્રિપયત નદી પાસે બેઠક યોજવા એક પ્રતિનિધિ મંડળને મોકલવાની સહમતી દર્શાવી છે. આ વાટાઘાટ કોઈપણ પ્રકારની પૂર્વશરત વગર યોજવામાં આવશે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના 4,300 સૈનિકો માર્યા છે. આ ઉપરાંત યુક્રેને રશિયાની 146 ટેન્ક, 27 ફાઈટર જેટ અને 26 હેલિકોપ્ટર પણ નષ્ટ કર્યા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે રવિવારે સાંજે દાવો કર્યો હતો કે તેમના લશ્કરે ખાર્કીવ શહેર પર ફરી કબજો કરી લીધો છે અને અહીંથી રશિયાના સૈનિકો ભાગી ગયા છે. બીજી બાજુ પોપ ફ્રાંસિસે કહ્યું છે કે યુક્રેનમાં માનવીય સંકટ સર્જાયું છે, માટે દેશને તાત્કાલિક મદદ કરવામાં આવે.
ઈઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમિર જેલેન્સ્કીએ પણ બેનેટ સાથે વાત કરી હતી. જેલેન્સ્કીએ બેનેટને રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવા અપીલ કરી હતી. જો કે ઇઝરાયેલે હજુ સુધી સત્તાવાર રીતે મધ્યસ્થતા અંગે કોઇ નિવેદન આપ્યું નથી.