- શું રશિયા- યુક્રેન યુધ્ધ વિરામ મોદીને જશ આપશે?
- નવેમ્બરમાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ યુધ્ધ વિરામ માટે શાંતિ બેઠક યોજવા વિશ્ર્વના અનેક દેશોની કવાયત
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન ભારતમાં બીજી શાંતિ પરિષદ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ માને છે કે બીજી શાંતિ પરિષદ હોવી જોઈએ અને તે દક્ષિણના દેશોમાંથી કોઈ એકમાં યોજવી જોઈએ.તેઓએ ભારતમાં આ બેઠક યોજવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો આ બેઠક ભારતમાં યોજવા માટે મોદી સહમત થાય છે તો પછી યુદ્ધ વિરામનો જશ મોદીના શિરે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ભારતમાં કોન્ફરન્સ યોજવા અંગે ઝેલેન્સકીએ કહ્યું, મેં પીએમ મોદીને કહ્યું કે તમે ભારતમાં વૈશ્વિક શાંતિ સંમેલન યોજી શકો છો. આ એક મોટો દેશ છે અને સૌથી મોટી લોકશાહી પણ છે.” તે જ સમયે, શુક્રવારે યુક્રેનની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ સમય બગાડ્યા વિના યુદ્ધને સમાપ્ત કરવા માટે તરત જ મળવું જોઈએ. આ ક્ષેત્રમાં શાંતિ પુન:સ્થાપિત કરવામાં ભારત ભૂમિકા ભજવવા તૈયાર છે.
વડાપ્રધાન મોદીની લગભગ નવ કલાકની યુક્રેનની મુલાકાત 1991માં આઝાદી બાદ કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હતી. છ અઠવાડિયા પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની સમિટ બાદ આ વાત સામે આવી છે. જો કે પીએમ મોદીની આ મુલાકાત બાદ પશ્ચિમી દેશોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
ઝેલેન્સકીને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત શાંતિનો સંદેશ લઈને આવ્યું છે. હું તમને અને સમગ્ર વૈશ્વિક સમુદાયને ખાતરી આપવા માંગુ છું કે ભારત રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા પ્રતિબદ્ધ છે અને આ અમારા માટે સર્વોચ્ચ મહત્વ છે.
ઝેલેન્સકીએ કહ્યું કે ભારત યુક્રેનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપે છે અને આ “મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વના દરેક વ્યક્તિએ યુએન ચાર્ટરનું સમાન રીતે સન્માન કરવું જોઈએ”. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતમાં યોજાનારી સમિટના પ્રસ્તાવને નવેમ્બરમાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા લોબિંગ કવાયત તરીકે જોવામાં આવી રહી છે. જૂનમાં યોજાયેલી પ્રથમ કોન્ફરન્સમાં દક્ષિણના દેશોમાંથી સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જોકે, ભારતે આ પહેલ પર શંકા વ્યક્ત કરી છે કારણ કે તેમાં રશિયાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષો વચ્ચે વાતચીત દ્વારા જ ઉકેલ શોધી શકાય છે.