ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બન્ને દેશોની અર્થવ્યવસ્થા નવા આયામો સર કરશે
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે યુકે પ્રતિબદ્ધતા હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે આ કરારથી બન્ને દેશોની અર્થ વ્યવસ્થા નવા આયામો સર કરશે.
તેમણે કહ્યું કે અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે સંબંધો વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ અને તેના ભાગરૂપે અમે ભારત સાથે નવા મુક્ત વ્યાપાર કરાર લાવવા પર વિચાર કરી રહ્યા છીએ. સોમવારે રાત્રે લંડનના લોર્ડ મેયર દ્વારા આયોજિત ઔપચારિક ભોજન સમારંભ દરમિયાનના ભાષણમાં, ઋષિ સુનકે કહ્યું કે વિશ્વભરમાં “સ્વતંત્રતા અને નિખાલસતા” ના બ્રિટિશ મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે 2050 સુધીમાં ઈન્ડો-પેસિફિક વૈશ્વિક વૃદ્ધિના અડધા ભાગ કરતાં વધુ પ્રદાન કરશે. તેણે કહ્યું કે અન્ય ઘણા લોકોની જેમ મારા દાદા-દાદી પૂર્વ આફ્રિકા અને ભારતીય ઉપખંડ થઈને બ્રિટન આવ્યા હતા અને અહીં રહેતા હતા. તાજેતરના વર્ષોમાં અમે હોંગકોંગ, અફઘાનિસ્તાન અને યુક્રેનના હજારો લોકોનું સ્વાગત કર્યું છે. આપણે એક એવો દેશ છીએ જે તેના મૂલ્યો પર ઊભો છે, જે લોકશાહીનું રક્ષણ માત્ર શબ્દોથી જ નહીં પરંતુ કાર્યોથી પણ કરે છે.
ઉલ્લેખનીય છે કે મુક્ત વેપાર કરાર એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બે દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા માટે કરવામાં આવે છે. મુક્ત વેપાર કરારની મદદથી બે દેશો વચ્ચે આયાત-નિકાસ હેઠળના ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી, નિયમનકારી કાયદા, સબસિડી અને ક્વોટા વગેરેને સરળ બનાવવામાં આવે છે. આનો મોટો ફાયદો એ છે કે જે બે દેશો વચ્ચે આ કરાર થાય છે તેમની ઉત્પાદન કિંમત બાકીના દેશોની સરખામણીમાં સસ્તી પડે છે. આનાથી વેપાર અને અર્થવ્યવસ્થાને ગતિ મળે છે.