ભાગેડુ હિરા કારાબોરી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બ્રિટનના ગૃહવિભાગે ભારતના પ્રત્યાર્પણની માંગની મંજૂરી આપી છે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે,શુક્રવારે બ્રિટનના હોમ મિનિસ્ટર પ્રીતિ પટેલે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. અગાઉ લંડનની એક કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે સંમતિ આપી હતી અને ભારતની જેલમાં તેમની સંભાળ લેવામાં આવશે એમ કહીને તેમની તમામ દલીલોને નકારી કાઢી હતી.
નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકના અધિકારીઓની સાથે મળીને 14 હજાર કરોડ રૂપિયાથી વધુની લોનની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી ગેરંટીના પત્ર દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગના બે મોટા કેસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા નોંધાયા છે. આ સિવાય તેની વિરુદ્ધ અન્ય કેટલાક કેસો પણ ભારતમાં નોંધાયેલા છે. સીબીઆઈ અને EDની વિનંતીથી ઓગસ્ટ 2018માં બ્રિટનને તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.
આ કૌભાંડ બાદ ભારતથી ભાગી ગયેલા નીરવ મોદી હાલમાં લંડનની વોન્ડસવર્થ જેલમાં બંધ છે. પ્રત્યાર્પણથી બચવા માટે નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું હતું કે, તે માનસિક રીતે બીમાર છે. તેમણે ભારતની જેલમાં સુવિધાઓ ન હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, કોર્ટે નીરવ મોદીની આ દલીલોને નકારી કાઢી હતી.