સેનેટ સભ્ય નિદત બારોટે કુલપતિ સમક્ષ કરી રજુઆત, અંગ્રેજી ટ્રાન્સલેશનની જવાબદારી વિદ્યાર્થીઓની નહીં પરંતુ યુનિવર્સિટીની હોવી જોઈએ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુ.જી.સી.ના નિયમને અનુસરતા ભાષા સિવાયના વિષયોમાં પીએચ.ડી. કરતાં તમામ છાત્રોને અંગ્રેજીમાં થીસિસ જમા કરાવવા આદેશ આપ્યો છે. ત્યારે આ મુદ્દે ભારે ઉહાપોહ મચી ગયો છે અને સેનેટ સભ્ય નિદત બારોટે કુલપતિ સમક્ષ રજૂઆત કરી છે.
યુજીસીએ દેશની તમામ યુનિવર્સિટીઓને વર્ષ ૨૦૧૬ના રેગ્યુલેશન મુજબ પીએચ.ડી.ના તમામ થિસીસ અંગ્રેજી ભાષામાં જ હોવા જોઈએ. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે કે ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ભાષા સિવાયના તમામ વિષયોમાં અંગ્રેજીમાં જ થિસીસ જમા કરવાના રહેશે અને આ નિયમ વર્ષ ૨૦૧૭ બાદ પીએચ.ડી.માં નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે.
જોકે આ મુદ્દે ભારે ઉહાપોહ મચી ગયો છે. યુનિવર્સિટીના સેનેટ સભ્ય એ આ મુદ્દે કુલપતિને રજુઆત કરતા જનાવ્યું હતું કે પીએચ.ડી.માં વિદ્યાર્થીઓને લગતા કોઈપણ નીતિવિષયક નિર્ણય બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ અને સિન્ડિકેટમાં મૂકી મંજુર કરવો જોઈએ. અંગ્રેજીમાં થિસિસનો નિયમ વર્ષ ૨૦૧૭ બાદ નહીં પરંતુ હવે પછી પીએચ.ડી.માં નોંધાતા વિદ્યાર્થીઓ માટે લાગુ પાડવો જોઈએ. કારણકે વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓની આર.એ.સી ગુજરાતી ભાષામાં હતી ત્યારે હવે નવેસરથી અંગ્રેજી ભાષામાં આર.એ.સી તૈયાર કરવાનું કહેવું કાયદાકીય રીતે પણ ખોટું છે. યુજીસી અંગ્રેજી ભાષામ થિસીસ તૈયાર કરવવા માંગતી હોય તો ગુજરાતી થિસીસનું અંગ્રેજીમાં ટ્રાનસ્લેશન કરાવવાની જવાબદારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે નહીં કે વિદ્યાર્થીઓની.
જે વિષયો અનુસ્નાતક કક્ષા સુધી વિદ્યાર્થીઓને ગુજરાતીમાં શીખવવામાં આવે છે તેને પીએચડી માટે અંગ્રેજીનો આગ્રહ ના રાખી શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુટ ૧૮ મુજબ ઓફિશઅલ ભાષા ગુજરાતી નક્કી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ વિધાશાખાના અનેક ગાઈડને અંગ્રેજી આવડતું નથી તેઓ માટે અંગ્રેજીમાં લખેલા થિસીસ વાંચવા સમજવા અને અર્થઘટન કરવા ખૂબ જ મુશ્કેલ છે જેને લીધે એવું પણ બને કે માર્ગદર્શક પીએચ.ડી ગાઈડ તરીકે ની કામગીરી છોડી દે જેનો ભોગ વિદ્યાર્થીઓ બનશે. સંશોધન એ વૈજ્ઞાનિક પ્રકિયા છે તેને ભાષા સાથે બાંધવી જોઈએ નહીં જેથી ભાષા સિવાયના વિષયોમાં અંગ્રેજીમાં થિસીસનો નિર્ણય મોકૂફ રાખવામાં આવે અને બીયુટી અથવા સિન્ડિકેટના નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.