ઝીરો ઈમીશન માટે ગુજરાત બનશે રોલમોડલ
ટાટા મોટર્સે યુજીવીસીએલ માટે બનાવેલા ટીગોર ઈ-કારના પ્રથમ જથ્થાનું ઉર્જામંત્રી સૌરભ પટેલ સહિતનાઓએ સ્વાગત કર્યુ
હાલના આધુનિક યુગમાં સમયનું અતિમહત્વ છે. જેની ઝડપી પરિવહન માટે વાહનોની સંખ્યામા ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વાહનોની વધતી સંખ્યા માટે વિશ્ર્વભરમાં પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો સીમીત છે.જેના ઉકેલ રૂપે વિવિધ કાર ઉત્પાદક કંપનીઓ ઈલેકટ્રીક કાર બનાવવા લાગી છે. દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ દ્વારા તેની ‘ઈ-કાર’નું મોડલ ટીગોર તાજેતરમાં લોન્ચ કર્યું છે. ઉતર ગુજરાતમાં વિજ સપ્લાય કરતી સરકારી કંપની ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા ઈ-કારનો ઓર્ડર ટાટા કંપનીને આપ્યો હતો. આ ઓર્ડરનો પ્રથમ કારનો જથ્થો આવી પહોચતા રાજયના ઉર્જામંત્રી સહિતનાઓએ જેને ફલેગ ઓફ કરીને વિધિવત ઉપયોગ શરૂ કર્યો હતો.ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડે પ્રદુષણ ઓછુ કરીને ઝીરો ઈમીશન તરફ આગળ વધતા તાજેતરમાં પોતાના અધિકારી, કર્મચારીઓનાં ઉપયોગ માટે ઈ-કાર ખરીદવાનો નિર્ણય કર્યો હતો જે માટેના કંપનીનાં ટેન્ડરમાં ટાટામોટર્સની પસંદગી થઈ હતી. ટાટા મોટર્સ તેના ઈ-કારના મોડલ ટીગોર-ઈવીનો પ્રથમ જથ્થો ગઈકાલે મોકલ્યો હતો. આ ઈ-કારને આવકારવા રાજયનાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ કંપનીના મેનેજીંગ ડીરેકટર મહેશસિંઘ સહિતના પદાદિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોનાં હસ્તે ઈ-કારના જથ્થાને ફલેગ ઓફ કરીને દોડતી કરી હતી. આ તકે ટાટા મોટર્સનાં ઈલેકટ્રીક મોબીલીટી બીઝનેશસ અને કોર્પોરેટ સ્ટ્રેટેજીનાં પ્રમુખ શૈલેષ ચંદ્રા સહિતના ટાટા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શૈલેષ ચંદ્રાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગાંધીનગર અને અમદાવાદમાં ઝીરો ઈમીશન કરતા વાહનો ચલાવવા માટે અમોએ ઉત્તર ગુજરાત વિજ કંપની સાથે સાથે ભાગીદારી કરી છે. ટાટા મોટર્સ હંમેશા ટકાઉ અને જવાબદાર પરિવહનના ઉકેલો વિકસાવવામાં અગ્રેસર રહ્યું છે. આ ઓર્ડર અમારા ગ્રાહકોને ઈ-વ્હીકલ પૂરા પાડવાની અમારી પ્રતિબધ્ધતાનો એક પુરાવો છે. અમે સરકારના વિઝનને ટેકો આપીને દેશને ઈલેકટ્રીક વાહનો આપવાનું નકકી કર્યું છે. ટાટા મોટર્સ ઈલેકટ્રીક વાહનોની રેન્જમાં ચાર જેટલા મોડલો બહાર પાડયા છે. જેથી દેશભરમાંઈલેકટ્રીક વાહનોની પ્રચાર અને ઉપયોગ વધશે.
ટાટા મોટર્સના ઇ-કારના ચાર મોડેલ બજારમાં ઉપલબ્ધ
ટાટા મોટર્સ તાજેતરમાં તેના ઈ-કારનાં નવા મોડલ જેકશન ઈ.વી.ને લોન્ચ કર્યું છે.
જેની કિંમત ૧૩.૯૯ લાખ રાખવામાં આવી રહી છે. જયારે, ટીગોર ઈવી મોડલ પણ ખાનગી ખરીદદારો માટે ઉપલબ્ધ બજારમા ઉપલબ્ધ છે. ઉપરાંત કંપની દ્વારા અલ્ટ્રરોઝ ઈવી, એચબીએકસ મોડલ પણ ટુંક સમયમાં બજારમાં મુકવામાં આવનારા છે. આ તમામ મોડલો ઈ-વિઝન આધારિત સેડાન અને સંભવત સીએરાની કલ્પના પર બનાવવામાં આવી છે. ટીગોર ઈ.વીનું મોડલ ૧૬.૨ કિલોવોટની અને ૨૧.૫ કિલોવોટની બેટરીના બે વિકલ્પમાં ઉપલબ્ધ કરાશે ૧૬.૨ કીલોવોટ બેટરીને એક વખત ચાર્જ કર્યા બાદ ૧૪૨ કિલોમીટર જયારે ૨૧.૫ કિલોવોટની બેટરીને એક વખત ચાર્જ કર્યા બાદ ૨૧૩ કિલોમીટર સુધી કાર ચાલશે