રાજકોટ જિલ્લામાં ૯૩ સહિત સૌરાષ્ટ્રમાં વધુ ૩૮૮ કોરોના સંક્રમિત
રાજકોટમાં કોરોનાનએ બિહામણું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ફરી એક વખત વધુ ૨૨ દર્દીઓની જિંદગીને કોરોના હણી ગયો છે. જ્યારે જિલ્લામાં વધુ ૯૩ કોરોના સંક્રમિત કેસ સાથે સૌરાષ્ટ્રમાં વધુ ૩૮૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટ જિલ્લામાં અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે પણ અહીંયા હાલત ખૂબ કફોડી બની છે. રાજકોટની હાલત દિવસે ને દિવસે સુરત જેવી થતી જાય છે. જેમાં એક દિવસમાં સિવિલ હોસ્પિટલમાં વધુ ૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં વધુ ૬ દર્દીઓની જિંદગીને કોરોના ભરખી ગયો છે. રોજના ૧૦- ૧૫ દર્દીઓના મોત થઈ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબી કતારો લાગી છે. ત્યારે વધતા જતા મૃત્યુ ના કારણે તંત્ર પણ ઊંધા માથે પડ્યું છે. પરંતુ મોત નો સિલસિલો વધુ ને વધુ ભયાનક થતું જોવા મળી રહ્યું છે.
રાજકોટમાં ના ફક્ત મોત પરંતુ કોરોના સંક્રમિતની સંખ્યા પણ બેકાબુ બની છે. જિલ્લામાં રોજના ૯૦ થી પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈ કાલે વધુ ૯૩ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં ૬૫ અને ગ્રામ્યમાં ૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી ૫૦૦૦ થી પણ વધુ નોંધાયા છે.
સૌરાષ્ટ્રભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.તેમાં પણ જામનગર જિલ્લામાં વધુ ૮૭ લોકો કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. અને ૬ દર્દીના મોત નિપજ્યા છે. ભાવનગરમાં પણ કોરોના બેકાબુ બન્યું છે. એક દિવસમાં વધુ ૫૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.જો કે ભાવનગર જિલ્લામાં આજ એક પણ કોરોનામાં મોત ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબીમાં કોરોના ૨૪ લોકો સંક્રમિત થયા છે. દેવભૂમિ દ્વારકામાં પણ વધુ ૨૨ અને બોટાદમાં વધુ ૧૮ દર્દી સંક્રમિત થયા છે.
જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના ૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને બીજી તરફ વંથલી પોલીસ મથકમાં કોરોના રાફડો ફાટ્યો છે. જેમક એક સાથે ૬ પોલીસકર્મીઓ કોરોના સંક્રમણમાં સપડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને મહામંત્રી જગદીશ મકવાણા કોરોના સંક્રમતિ
સી.આર.પાટીલના પ્રવાસમાં સાથે અને એક જ કાર સવાર હતા જિલ્લાના મહામંત્રી
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાનો કહેર યથાવત રહેવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે પણ ૬ નવા કેસ પોઝિટિવ નોંધાયા પામ્યા છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨૫૦ કરતા પણ વધુ કેસો નોધાર્યા છે. ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપ પટેલ અને મહામંત્રી જગદીશભાઈ મકવાણાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે જ્યારે સૌરાષ્ટ્ર ની સફરે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુલાકાતે હતા તે સમયે છેલ્લે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે સી.આર.પાટીલ પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે તે સમયે જિલ્લા ભાજપ ના પ્રમુખ દિલીપ ભાઈ અને મહામંત્રી જગદીશભાઈ મકવાણા સી આર પાટીલ સાથે એક જ કારમાં સવાર હતા.
ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ગુજરાતમાં ભાજપના જે કાર્યકરો સી.આર.પાટીલ સાથે સૌરાષ્ટ્ર સફર દરમિયાન જોડાયા હતા તેમનામાં પણ હાલ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના યુવા કાર્યકરો અને ભાજપના વરિષ્ઠ કાર્યકરો નેતાઓ અને સત્તાધીશો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.