રાજકોટના સાળા-બનેવી છ માસથી અમદાવાદથી એમ.ડી ડ્રગ્સ લાવી વેચાણ કર્યાની કબુલાત
રાજકોટ અને મોરબી એસ.ઓ.જી.ના દરોડામાં રૂ. 1.90 લાખના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ
સૌરાષ્ટ્રમાં એમ.ડી. ડ્રગ્સની પેડલરોની મદદથી હેરાફેરી થતી હોવાનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં જ એટીએસની ટીમે ખંઢેરી સ્ટેડીયમ પાસેથી કરોડોની કિંમતના એમ.ડી. ડ્રગ્સ સાથે નાઈઝીરીયન શખ્સને ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર પોલીસે પણ કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે બિશ્ર્નોઈ ગેંગની ધરપકડ કરી છે. રાજકોટના શસાળા બનેવી એમ.ડી. ડ્રગ્સના સપ્લાયર હોવાની બાતમીના આધારે રાજકોટ અને મોરબી એસ.ઓ.જી.એ. ત્રણ શખ્સોને રૂ. 1.90 લાખના ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. ત્રણેય શખ્સો પાસેથી ડ્રગ્સ કાર અને રિક્ષા મળી રૂ. 5 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે. જયારે જામનગર એસ.ઓ.જી.એ 140 ગ્રામ ગાંજા સાથે પરપ્રાંતીય વૃધ્ધાની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મોરબીના તાજપર ચોકડી પાસે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટનાં વતની અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના હાથીજણ વિવેકાનંદનગરમાં રહેતા જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જી.જે.1 ટીબી 3442 નંબરની રીક્ષામાં એમ.ડી. ડ્રગ્સ લઈ રાજકોટથી મોરબી આવતો હોવાની બાતમીનાં આધારે મોરબી એસ.ઓ.જી. પી.આઈ. એમ.પી.પંડયા, પી.એસ.આઈ. એમ.એસ. અનસારી, કે.આર. કેસરીયા, એ.એસ.આઈ. રણજીતભાઈ બાવડા, ફારૂકભાઈ પટેલ અને રસીકભાઈ કડીવાર સહિતના સ્ટાફે ટંકારા પાસે વોચ ગોઠવી હતી.
પોલીસની વોચ દરમિયાન જીતેન્દ્ર રામજી પ્રજાપતિ પોતાની રિક્ષા સાથે પસાર થતા અટકાવી તલાસી લેતા તેની પાસેથી રૂ.1 લાખની કિંમતના 10 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવતા તેની પાસેથી રીક્ષા, ડ્રગ્સ, રોકડા અને મોબાઈલ મળી રૂ. 1,13,810નો મુદામાલ કબ્જે કરી પુછપરછ કરતા રાજકોટના ઉમિયા ચોક પાસે રહેતા રવિન્દ્ર ઉર્ફે આશિષ જીતેન્દ્ર રાવલ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબુલાત આપતા ટંકારા પોલીસે રવિન્દ્ર ઉર્ફે આશિષે રાવલની ધરપકડ કરી છે.
રવિન્દ્ર ઉર્ફે આશિષ રાવલની પુછપરછ કરતા છેલ્લા છ માસથી પોતાના બનેવી અર્જુન ઉર્ફે અનમોલ મેરામ કોડીવાર નામના આહિર શખ્સ સાથે મળી અમદાવાદથી એમ.ડી. ડ્રગ્સ લાવી વેચાણ કરતા હોવાની કબુલાત આપી હતી, આથી મોરબી, એસ.ઓ.જી.એ રાજકોટ એસ.ઓ.જી.ને આ અંગે જાણ કરતા પી.આઈ.જે.ડી. ઝાલા, એ.એસ.આઈ.ડી.બી. ખેર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઉમિયા ચોકમાં દરોડો પાડી અર્જુન ઉર્ફે અનમોલ મેરામ આહિરને રૂ. 90,500ની કિમંતના 9 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે.
અર્જુન ઉર્ફે અનમોલ આહિર પાસેથી ડ્રગ્સ, કાર, મોબાઈલ અને રોકડ મળી રૂ. 3.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. અર્જુન ઉર્ફે અનમોલ અમદાવાદમાં કોની પાસેથી ડ્રગ્સ લાવતો તે અંગેની પૂછપરછ માટે માલવીયાનગર પીએસઆઈ એમ.એચ. મહેશ્ર્વરી અને મશરીભાઈ ભેટારીયાએ તજવીજ હાથ ધરી છે.
મોટી ખાવડીમાં 140 ગ્રામ ગાંજા સાથે પરપ્રાંતીય વૃધ્ધાની ધરપકડ
જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાંથી એસ.ઓ.જી.ની ટુકડીએ ગઈ રાતે દરોડો પાડી જાહેરમાં નશીલા પદાર્થ ગાંજા નું વેચાણ કરી રહેલી એક વૃદ્ધ મહિલાની અટકાયત કરી લઇ તેની પાસેથી ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, અને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ દરોડા ની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં એક મહિલા દ્વારા ખાનગીમાં નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી એસ.ઓ.જી. શાખાની ટુકડીને મળી હતી. જેથી ગઈકાલે મોડી સાંજે મોટી ખાવડી ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડા દરમિયાન એક મહિલા ઝાડ નીચે ઉભેલી જોવા મળી હતી. જેની તલાસી લેતાં તેના કબજા માંથી 140 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. જેનું નામ પૂછતાં તેણીએ પોતાનું નામ શેરબાનું ઓસમાણભાઈ સુંભણીયા અને સીક્કામાં રહેતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી છે, અને મેઘપર પોલીસ મથકમાં તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.