પૂર્વ ઝોન અને સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા મ્યુનિસિપલ કમિશનર રામનાથપરા સ્મશાનમાં બંધ પડેલી ઇલેક્ટ્રિક ભઠ્ઠી રીનોવેટ કરી પૂન: ચાલુ કરવા ચર્ચા

કમિશ્નર ઉદીત અગ્રવાલે શહેરના પૂર્વ ઝોન અને સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ખાસ કરીને પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લઇ આ સ્થળને વધુ નમૂનેદાર બનાવવા કેવા કેવા ઇનોવેટીવ પગલાંઓ લઇ શકાય અને તેની શક્યતાઓ કેટલી છે તે અંગે પ્રાથમિક ચર્ચા કરી હતી.

આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ રામનાથપરા સ્મશાનમાં બંધ પડેલી ઇલેક્ટ્રિક ભઠ્ઠી રીનોવેટ કરી પૂન: ચાલુ કરવા, આજી નદીના પશ્ચિમ કાંઠા પરની વરસાદને કારણે ડેમેજ થયેલી રીટેઈનિંગ વોલ સત્વરે રીપેર કરાવવા સૂચના આપી હતી.  આજી નદીમાં બંને કાંઠે ડ્રેનેજ માટેની ઇન્ટરસેપ્ટર લાઈનની કામગીરીની પ્રગતિ પણ નિહાળી હતી. દરમ્યાન બેડીનાકા પાસે આવેલા ડ્રેનેજ મિકેનિકલ વિભાગની મુલાકાત લઈ ડ્રેનેજ ક્લીનિંગ માટેની વિવિધ મશિનરી જેવી કે, જેટીંગ મશિન, સક્શન મશિન વગેરેની જાણકારી મેળવી હતી અને ડ્રેનેજ સંબંધી ફરિયાદોનો સત્વરે નિકાલ થઇ શકે તે માટે આ વાહનોના મેઇન્ટેનન્સ પણ સમયસર થતા રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથોસાથ વોર્ડ નં.૩માં કમિશનર બાલાજી પાર્ક, રાધિકા રેસીડેન્સી, મેરીગોલ્ડ હાઈટ, શ્રધ્ધા સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તાઓના કામ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

વિશેષમાં મ્યુનિ. કમિશનરએ પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લઇ આ સ્થળને વધુ નમૂનેદાર બનાવવા કેવા પ્રકારના ઇનોવેટીવ પગલાંઓ લઇ શકાય તે વિશે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથોસાથ ઝૂના પ્રવેશ દ્વાર ખાતે સ્થિત ટિકિટ બારીથી અંદર જતા રસ્તાની  પહોળાઈ વધારવા અંગેની ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી નજીક ન્યુ શક્તિ સોસાયટી ખાતે ડ્રેનેજ લાઈન નાંખવાની પૂર્ણ થયેલી કામગીરી સ્થળ પર જઈને રૂબરૂ નિહાળી હતી. તો રણછોડનગર વિસ્તારમાં ફૂટપાથ ડેમેજ થયેલી હોય તે રીપેર કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ઉપરોકત સ્થળ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જિનિયર  એમ. આર. કામલિયા, સિટી એન્જિનિયર (સ્પે.)  એચ.યુ.દોઢિયા તેમજ પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી તથા જે તે વોર્ડના અધિકારીઓ હાજર રહયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.