ચેરમેન માત્ર હાઈરાઈઝ બિલ્ડીંગ પ્લાન મંજૂર કરશે: લોકોની સુવિધા વધશે
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં વિકાસ પરવાનગીની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેવા હેતુથી “રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે અંગત રસ લઇ જાહેર જનતાની સરળતા માટે કાર્યવાહી આસાન બનાવી છે. ચેરમેને એક ખાસ આદેશ જાહેર કરી નવા બનતા લો રાઈઝ, હાઈરાઈઝ તથા ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની વિકાસ પરવાનગી અલગઅલગ તબક્કેથી ઇસ્યુ કરવા માટે જુદાજુદા અધિકારીઓને પાવર ડેલિગેટ કર્યા છે.
આ નિર્ણય અંગે વાત કરતા ચેરમેને જણાવ્યું હતું કે, રૂડા વિસ્તારમાં વિકાસ પરવાનગી આપવાની પ્રક્રિયા ઝડપી બનશે. હવેથી હાઈરાઇઝ સિવાયના પ્રકરણો અધ્યક્ષનાં સ્થાનેથી મંજૂર થવાને બદલે મુખ્ય કારોબારી અધિકારી તથા પ્રવર નગર નિયોજકશ્રી કક્ષાએથી મંજૂર થશે.
સત્તામંડળની કચેરીની કામગીરીના વિકેન્દ્રીકરણના ભાગ રૂપે વિકાસ પરવાનગીની અરજીઓ તથા બાંધકામના વપરાશના પ્રમાણપત્ર મળવાની અરજીઓના નિર્ણયો કરવા સંદર્ભે નક્કી કરવામાં આવેલો ધોરણો આ મૂજબ છે.
૧૫.૦મી. સુધીની ઉંચાઇનાં રહેણાંક હેતુસરની ઔદ્યોગિક હેતુ, વાણિજય હેતુ તથા અન્ય હેતુ માટેનાં એકત્રીકરણ, સબ પ્લોટીંગ, બાંધકામ મંજુરી માટે ઘગ ઓનલાઈન પીઆરઈ ડી.સી.આર. એપ્રોવયેલ કેસોની ઓનલાઈન અંગેની તમામ કાર્યવાહી જુનિયર નગર નિયોજક કક્ષાએ કરવાની રહેશે. રહેણાંક હેતુ માટેનાં પ્રકારનાં બાંધકામ માટેનાં વપરાશનાં પ્રમાણપત્ર અંગે જુનિયર નગર નિયોજકે મંજુરી/ના-મંજુરી સંબંધે નિર્ણય લેવાના અધિકાર આપવામાં આવે છે.
રહેણાંક હેતુ સિવાયનાં ઓડીપીએસ હેઠળ ૧૫.૦મી. સુધીની ઉંચાઇનાં હેતુ માટેનાં ઓનલાઈન વપરાશ પ્રમાણપત્રની અરજીઓ પરત્વે પ્રવર નગર નિયોજકે મંજુરી/ના-મંજુરી સંબંધે નિર્ણય લેવાના અધિકાર આપવામાં આવે છે.
૧૫.૦ મી.થી વધુ ઉંચાઇનાં રહેણાંક હેતુ, વાણિજય હેતુ, ઔદ્યોગિક હેતુ તથા અન્ય હેતુસરની (લો-રાઇઝડ) પ્રકારનાં ૧૬.૫૦ મી. ઉંચાઇ સુધીનાં એકત્રીકરણ, સબ પ્લોટીંગ, બાંધકામ મંજુરી માટે રજુ થતી વિકાસ પરવાનગી અરજીઓ અને તે સંદર્ભે વપરાશ પ્રમાણપત્રની અરજીઓ પરત્વે મુખ્ય કારોબારી અધિકારીશ્રીને મંજુરી/ના-મંજુરી સંબંધે નિર્ણય લેવાના અધિકાર આપવામાં આવે છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં રજુ થતા ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવાના લે-આઉટ પ્લાન સંબંધે સત્તામંડળનાં જીડીસીઆર મુજબ ૨૦% અથવા ૪૦% કપાત સ્કેચ તૈયાર કરી મુખ્ય કારોબારી અધિકારી મારફતે અધ્યક્ષનો આદેશ મેળવવાનો રહેશે. ત્યારબાદ એલઓપી મંજુર મુખ્ય કારોબારી અધિકારી કક્ષાએથી કરવાના રહેશે. ટી.પી.સ્કીમ ફાઇનલ થયેલ હોઇ તેના ફાઇનલ પ્લોટનાં એલઓપી અધ્યક્ષને મોકલવાના રહેશે.
૧૬.૫૦ મી.થી વધુ ઉંચાઇનાં પ્રકારનાં દરેક હેતુ માટેનાં હાઇરાઇઝડ બાંધકામ પરવાનગી અને બાંધકામના વપરાશ પ્રમાણપત્રો મળવાની અરજી સંદર્ભે મુખ્ય કારોબારી અધિકારી મારફતે અધ્યક્ષનો આદેશ મેળવવાનો રહેશે.
અભ્યાસ પૂર્ણ: બ્લેક એન્ડ વ્હાઈટ બજેટને રંગીન બનાવવા હવે પદાધિકારીઓ બેસશે
તમામ વર્ગના લોકો અને તમામ વિભાગોને રાજી રાખતું બજેટ રજૂ કરવાનો સ્ટેન્ડિંગ કમિટીનો વ્યૂહ: ૧૦મીએ બહાલી
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે ગત શનિવારે રજૂ કરેલા મહાપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨૧૧૯.૯૮ કરોડના બજેટનો અભ્યાસ આજે પાંચમા દિવસે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કમિશનરે રજૂ કરેલા બજેટમાં કોઈ મહત્વકાંક્ષી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ટૂંકમાં કહીએ બજેટ બ્લેક એન્ડ વ્હાઈટ જેવું હતું. જેને રંગીન બનાવવા માટે હવે પદાધિકારીઓ બેસશે અને લોકોને આકર્ષીત કરી દેતી યોજનાઓ મુકવામાં આવશે. ૧૦મી ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બજેટની મંજૂરી આપી આખરી બહાલી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ગત શનિવારે મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા બજેટનો અભ્યાસ છેલ્લા પાંચ દિવસી સ્ટેન્ડિંગ કમીટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે બપોરે તમામ શાખાઓના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હવે બજેટમાં અલગ અલગ યોજનાઓ મુકવા માટે પદાધિકારીઓ બેસશે. જે હેડમાં વધુ નાણાની ફાળવણી કરવામાં આવી છે. ત્યાં કાપકૂપ મુકવામાં આવ્યો છે. ટૂંકમાં અત્યાર સુધી કોર્પોરેશનના ઈતિહાસમાં ન આપવામાં આવ્યું હોય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા બજેટમાં કશું ખાસ મુકયું ની. બ્લેક એન્ડ વ્હાઈટ જેવું બજેટ આપ્યું છે. જેને રંગીન બનાવવા સ્ટે.કમિટીએ પ્રયાસ કર્યો છે. બજેટમાં સપનાના વાવેતર કરવામાં આવશે. ચાલુ વર્ષના અંતમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની હોય બજેટને થોડા ઘણા અંશે ચૂંટણીલક્ષી ટચ પણ આપવાનો પ્રયાસ કરાશે. ટૂંકમાં મતદારોને આકર્ષવા માટે ચાલુ ટર્મના અંતિમ બજેટમાં શાસકો રતિભાર પણ પાછીપાની નહીં કરે તે ફાઈનલ છે.