એક રાહુલ નામનો છોકરો હતો. તેનો મોટો ભાઈ પહેલેથી જ હોસ્ટેલમાં રહેતો અને તેની મોટી બહેન ભણવામાં વ્યસ્ત હતી. તે નાનપણથી જ એકલો રહ્યો છે અને જ્યારે 12 વર્ષનો થયો ત્યારે તેનું આખું ફેમિલી બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયું. જે જગ્યાએ તેઓ રહેવા ગયા ત્યાં તેની ઉંમરનું કોઈ હતું જ નહીં. આખી સોસાયટીમાં બધા મોટી ઉંમરના લોકો જ રહેતા હતા. તેની સાથે રમી શકે તેવો કોઈ નાનો છોકરો સોસાયટીમાં હતો જ નહીં. આમ તે અહીંયા આવીને પણ એકલો પડી ગયો. નાની ઉંમરના કોઈ છોકરાને મિત્ર ના હોવું એ બહુ દુઃખની વાત છે. કેમ કે આજકાલ મોટા લોકો પણ આત્મહત્યા કરી લેતા હોય છે તો નાના છોકરાને તો સમય આપવા માટે કોઈ સારા મિત્ર ની જરૂર પડે જ છે.
2 વર્ષ પછી તેની એક ખુશી નામની છોકરી સાથે મુલાકાત થઇ. મુલાકાત મિત્રતામાં બદલી અને ધીમે ધીમે મિત્રતા માંથી પ્રેમમાં ફેરવાઈ. રાહુલને તેની સાથે ખૂબ જ ગમતું. તેનું એકલતા ભર્યું જીવન હવે ખુશ ખુશાલ બની ગયું. બંને ઘણી વાર સાંજે ગાર્ડનમાં મળતા. એક વાર ખુશીના પપ્પા બંનેને જોઈ ગયા અને ખુશીને ઘરે લઈ ગયા. તેને ખરું-ખોટું સંભળાવ્યું. તેને રોજ રોજ મારે અને રોજ બોલબોલ કરીને તેને માનસિક ત્રાસ આપતા. ખુશીએ રાહુલને ફોન કર્યો કે તેના ઘરના લોકો આ રીતે હેરાન કરે છે તું મને બચાવી લે મારાથી હવે આ બધું સહન નથી થતું. રાહુલ માત્ર ૧૪ વર્ષનો હતો અને તેને ખબર ના પડી કે શું કરવું. સાંજે ખબર પડી કે ખુશીએ હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી છે. રાહુલ તેના ઘરે ગયો અને ખુશીના પપ્પાએ રાહુલને માફી માંગી. ખુશીના પપ્પાને તેની ભૂલ સમજાઈ ગઈ પણ હવે બહુ મોડું થઈ ગયું હતું.
રાહુલ થોડા સમય બાદ માંડ ખુશ થયો હતો. તેના જીવનમાં થોડી ખુશી આવી હતી પરંતુ તે લાંબા સમય સુધી ટકી નહીં. રાહુલ ખુદને સંભાળી શકતો નહીં. જ્યારે ખુશીની યાદ આવે તે ઘરની નજીક ગાર્ડનમાં ચાલવા નીકળી જાય. બપોરે, સાંજે, રાતે બસ ગાર્ડનમાં બેસતો અથવા પોતાના રૂમમાં રડ્યા કરતો. આવડી નાની ઉંમરમાં તે પોતાની સાચી મિત્ર જેના માટે તેને લાગણીઓ હતી તે વ્યક્તિ આ દુનિયા છોડીને ચાલી ગઈ હોવાથી તે અત્યંત દુઃખી રહેતો. જેમ તેમ કરીને ખુદને સંભાળતો અને પોતાની શાળા બદલી બોયઝ સ્કૂલમાં એડમિશન લઈ બધું ભૂલવાની કોશિશ કરી. તેની પાસે તેના ભાઈનું લેપટોપ હતું જેમાં મૂવી જોવાનું શરૂ કર્યું અને થોડો સમય જતાં તેને મુવીઝ માં રસ પડવા લાગ્યો અને તે મૂવીઝને જ પોતાનો મિત્ર માની જીવન જીવવા લાગ્યો.
થોડો મોટો થતાં તેણે પોતાની યુટયુબ ચેનલ શરૂ કરી. એક વર્ષ બાદ તેને તેમાં સફળતા મળી. ઘણા લોકો તેને ઓળખતા થઈ ગયા. તેને પોતાનું એક નવું પરિવાર મળી ગયું.
થોડો સમય બાદ તેને સ્કૂલમાંથી ઓફર આવવા લાગી અને તે સ્કૂલમાં પણ પોતાનું કામ કરવા લાગ્યો. ધીમે ધીમે તે શહેરની મોટાભાગની સ્કૂલમાં જાણીતો થઈ ગયો. લગભગ અડધું શહેર તેને ઓળખવા લાગ્યું. તેના જીવનમાં બધું હતું પરંતુ તેની એકલતા હજી દૂર થઈ ના હતી.
હવે રાહુલ કોલેજમાં આવી ગયો. પોતાની વિશિષ્ટ આવડતોને કારણે તે થોડા દિવસમાં આખી કોલેજમાં ફેમસ થઇ ગયો. કોલેજ નાં નાનામોટા ફંકશન કરતો થઈ ગયો. પોતાની રીતે જ બધું મેનેજમેન્ટ કરવા લાગ્યો અને આખા ફંકશનની બધી જવાબદારી પોતે સંભાળવા લાગ્યો. કોલેજમાં તેનું ખૂબ સારું નામ બની ગયું હતું. છ મહિનામાં રાહુલ જેસાની હવે RJ નામથી ફેમસ થઇ ગયો. કોલેજના પહેલા વર્ષમાં તેને એક રિયા નામની છોકરી મળી જે તેની મિત્ર બની થોડો સમય બાદ RJ ને ખબર પડી કે તે કોલેજમાં ફેમસ હતો એટલા માટે રિયા તેની ગર્લફ્રેન્ડ બનવા માંગતી હતી અને તેને ફસાવવા માંગતી હતી. રાહુલ સાથે દગો કરી તેને કોલેજમાં બદનામ કરવા માંગતી હતી.
રાહુલ ફરીવાર એકલો પડી ગયો. કોલેજના બીજા વર્ષમાં તેને એક અસ્મિતા નામની છોકરીએ પ્રપોઝ કર્યું. રાહુલ તેને ખૂબ સારી રીતે ઓળખતો હતો તેથી રાહુલે તેને માત્ર મિત્રતા માટે જ હા પાડી. અસ્મિતા કોઈપણ સંજોગોમાં રાહુલની ગર્લફ્રેન્ડ બનવા માંગતી હતી અને રાહુલ તેને ના પાડતો રહ્યો તેથી અસ્મિતા તેને મારવાની ધમકી આપવા લાગી. અસ્મિતા રોજ રાહુલને પરેશાન કરતી અને રોજ રાહુલ તેને ના પાડતો. અસ્મિતા માનવા માટે તૈયાર જ નહોતી. એક દિવસ અસ્મિતા હાથમાં ચેકો મારી રાહુલ પાસે આવી ધમકી મારવા લાગી કે તું મને હા નહીં પાડે તો હું મારી નસ કાપીને મરી જઈશ. આ સાંભળતા રાહુલને ખુશીની યાદ આવી ગઈ. રાહુલ ત્યાં જ બેભાન થઇ ગયો. પછી રાહુલ ની તબિયત બગડવા લાગી પણ અસ્મિતા એ એનો પીછો છોડ્યો નહીં. રાહુલની તબિયત સારી ન હતી એ મોકો જોઈને અસ્મિતા તેની નજીક આવી ગઈ. તેનું ધ્યાન રાખવા લાગી અને તેની સંભાળ રાખવા લાગી. અસ્મિતાએ રાહુલને મનોમન બોયફ્રેન્ડ બનાવી લીધો હતો. થોડો સમય બાદ રાહુલ સાજો થઈ ગયો. અસ્મિતા ફરીથી તેને મરવાની ધમકી આપવા લાગી.
રાહુલ ખુશીને આ રીતે ખોઈ ચૂક્યો હતો તેથી તે ચાહતો ન હતો કે બીજી કોઈ છોકરી સાથે પણ આવું થાય તેથી રાહુલે તેને માત્ર મિત્ર બનવા માટે જ હા પાડી પણ અસ્મિતાનો ત્રાસ ધીમે ધીમે વધવા લાગ્યો, ખર્ચા વધવા લાગ્યા. થોડા સમય બાદ રાહુલને ખબર પડી કે અસ્મિતા માત્રને માત્ર તેનો ઉપયોગ કરી રહી હતી. પોતાની જરૂરિયાત અને ઈચ્છાઓ પૂરી કરવા અસ્મિતા તેનો ઉપયોગ કરતી હતી અને આ કામમાં તેનું પરિવાર પણ તેનો સાથ આપતું હતું. પહેલા અસ્મિતા છોકરાને ફસાવે પછી પ્રેમજાળમાં ફસાવીને પૈસા ઉઘરાવે. આ સચ્ચાઈ રાહુલને ખબર પડતાં રાહુલે તેને પોતાના જીવનમાંથી જવા માટે કહ્યું. થોડા સમય બાદ રાહુલને ખબર પડી કે અસ્મિતા એ રિયાની માસીની છોકરી હતી. રિયાએ જ અસ્મિતાને કોલેજમાં જઈ RJને ફસાવવા માટે કહ્યું હતું. બે વાર છેતરાયા બાદ હવે તેને છોકરીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. ત્રીજા વર્ષમાં તે કોલેજ ગયો જ નહીં. માત્ર પરીક્ષા આપી કોલેજ પાસ કરીને પોતાની યુટયુબ ચેનલને ચલાવવા લાગ્યો.
હવે RJને લોકો પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. લોકો સાથે વાત કરતાં પણ તેને ડર લાગતો હતો. તે ખૂબ ડિપ્રેશનમાં આવી ગયો. બધા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. પોતાના જ રૂમમાં પૂરાઈ રહેતો. કોઈના ફોન ના ઉચકે અને મેસેજના રીપ્લાય પણ ન આપતો. બસ એકલો એકલો પોતાના રૂમમાં જ રહેતો અને દુનિયાથી ખુદને દૂર કરી દીધો. 6 મહિના તે સાવ ગાયબ થઈ ગયો હતો. માંડ માંડ ખુદને સંભાળી એ ડીપ્રેશનમાંથી બહાર આવ્યો. હવે તેને એક સારી જોબ કરવી હતી તેથી બેન્કમાં જોબ પર લાગી ગયો પણ તેનો સમય, સેલેરી અને કામ તેને ફાવ્યું નહીં. કોઈએ તેને સલાહ આપી કે જો તારું વાંચન સારું હોય તો સરકારી નોકરીની તૈયારી કરવા માંડ કેમકે થોડા સમયમાં ભરતી આવી રહી છે. વાંચન સારું હોવાથી તેણે સરકારી નોકરીની તૈયારી કરાવતા એક ક્લાસ જોઈન કર્યા. થોડા દિવસ બાદ તેની સામે એક છોકરીએ સ્માઇલ કરી અને તે સ્માઇલે તેના જીવનમાં નવો વળાંક લીધો.
RJએ એકવાર તે છોકરી સાથે વાત કરવાની ટ્રાય કરીને બુક માંગી. એક મહિના બાદ તે છોકરીએ તેની પાસે બુક માંગી. ત્રણ મહિના સુધી RJ તે છોકરીને પોતાના દિલની વાત કહી ના શક્યો. એક વાર હિંમત કરીને તેણે એ છોકરીને વાત કરી ત્યારે તેને છોકરીનું નામ જાણવા મળ્યું કે છોકરીનું નામ જીનલ હતું. તે બંને થોડો સમય બાદ બુક્સની આપ-લે કરવા લાગ્યા અને સારા મિત્રો બની ગયા. બંને એકબીજાને વાંચવામાં અને પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરતા. બંને રવિવારે મળતા અને પોતાની ફેવરિટ જગ્યાએ ચા પીવા જતા. આ ચા ખાલી બહાનું હતું પણ બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો ખૂબ ગમતો હતો કેમ કે બંનેના વિચારો સરખા હતા, એક બીજાને કંઈ કહેવું ન પડતું સામેથી જ બંને એકબીજાની મનની વાત સમજી જતા, તેમની ઘણી આદતો પણ સરખી હતી. 4 વર્ષ બાદ કોઈ છોકરી પર RJને વિશ્વાસ આવ્યો હતો. બંને ઘણો સમય સાથે રહ્યાં હતા એટલે RJ જીનલને ખૂબ સારી રીતે ઓળખી ગયો હતો. તેની નાનામાં નાની વાત જાણી લેતો. જીનલનું ખૂબ ધ્યાન રાખતો. જીનલ કંઈ માંગે એ પહેલા તેની ઈચ્છા પૂરી કરી દેતો. તેને જીનલ સાથે ખૂબ લાગણી થઈ ગઈ હતી. એકલો રહ્યો હોવાથી તેને જીનલ સાથે હવે ગમવા લાગ્યું હતું. તેને લાગ્યું કે તેના માટે પણ કોઈ છે જે તેનું ધ્યાન રાખે છે અને તેને સારી રીતે સાચવે છે. હવે RJ ને કોઈ સાથે વાત કરતાં ડર લાગતો નથી કેમ કે જીનલે તેને ખૂબ હિંમત આપી હતી અને તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. તેમના વચ્ચે નાનો મોટો ઝઘડો થવા લાગ્યો પણ બંને એકબીજાને માફ કરી દેતા. તેમનો ઝગડો એક કલાકથી લાંબો સમય ચાલતો જ નહીં કેમકે બંને એકબીજાથી ટેવાયેલ હતા. જીનલમાં એક કુટેવ હતી કે કોઈ સાચું કહે તો પણ તે માનતી જ નહીં અને તેના બદલામાં બહાના બતાવીને વાંક માંથી નીકળી જતી. બસ તેનામાં એક જ ખોટી આદત હતી અને અહંકાર હતો પણ તેને આ વાતની ખબર જ ના હતી. તે સાવ ભોળા સ્વભાવની હતી. તેને બહુ લાંબી ખબર ન પડતી એટલે RJ દરેક વાતમાં જતું કરી દેતો અને તેને સમજાવવાની ટ્રાય કરતો પણ એક દિવસ નાની એવી વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને જીનલે તેની સાથે સંબંધ તોડી નાખ્યો અને તેને બ્લોક કરી દીધો.
થોડા સમય બાદ જીનલના જીવનમાં બીજો એક મિત્ર આવ્યો જેનું નામ હતું જૈનીક. જીનલ અને જૈનીક સાથે મળીને રાહુલને ખૂબ હેરાન કર્યો, માનસિક ત્રાસ આપ્યો અને તેના કારણે રાહુલ ચિંતામાં રહેવા લાગ્યો. રાહુલ તેને સમજાવાની કોશિશ કરતો પરંતુ જીનલ માનવા તૈયાર જ ન હતી. તેને કોઈ વાત સમજાતી જ નહીં. તેને જૈનિક ગમવા લાગ્યો હતો એટલે તેને તેના સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં તેથી તે રાહુલ ની વાત સાંભળતી જ નહીં. હવે રાહુલને જીનલ સાથે વાત કરતાં પણ શરમ આવતી હતી કેમકે જીનલ તેને સરખી રીતે બોલાવતી નહીં, તેની વાત કાપી નાખે, મન ફાવે તેમ બોલવા લાગે, તેના પર ગુસ્સો કરવા લાગે, રોજ તેને બ્લોક કરે અને અનબ્લોક કરે.
રાહુલ પોતાની જાત કરતા પણ વધારે વિશ્વાસ જીનલ પર કરતો હતો અને તેણે જ જૈનિક સાથે મળીને તેને ખૂબ મેન્ટલી ટોર્ચર કર્યો આના કારણે રાહુલને મગજની બીમારી થઈ ગઈ. જેની જાણ જીનલને થઈ તો પણ તે જૈનિક સાથે મળીને તેને ત્રાસ આપતી. જ્યારે જીનલ ને મજા ના રહેતી ત્યારે રાહુલ તેનું ખૂબ ધ્યાન રાખતો અને આજે રાહુલને સાંભળવાનો વારો આવ્યો ત્યારે જીનલ તેના પર અત્યાચાર કરતી, ખોટું બોલતી અને ગુસ્સો કરતી. રાહુલે ખૂદને માંડ સંભાળ્યો. બે વાર આત્મહત્યા કરવાની ટ્રાય કરી પણ જિનલનું મોઢું યાદ આવી જાય એટલે પોતાનો વિચાર છોડી દેતો. રાહુલને મગજની બીમારી હતી તોપણ જીનલ તેની સાથે રોજ ખોટું બોલે અને હેરાન કરે.
રાહુલ ખુદ કરતાં પણ વધારે મહત્વ જીનલને આપતો અને જીનલે તેની સાથે આવું કર્યું. રાહુલ આ વાત સહન ના કરી શક્યો અને હજુ પણ સમજાવવાની કોશિષ કરતો પણ જીનલ માનવા તૈયાર જ ન હતી કેમકે તેને જૈનિક સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં. રાહુલની હાલત રોજ થોડી-થોડી બગડી રહી હતી અને અંતે કંટાળી જતા આત્મહત્યા કરી લીધી.
જીનલને આ વાતની જાણ થઈ તો પણ તેને કાંઈ ફેર ના પડ્યો. હજી તેને સમજાણું જ નહીં કે આટલી સારી મિત્રતા ની વચ્ચે કોઈ ત્રીજો માણસ આવી જતા તેમનો સોના જેવો સંબંધ તૂટી ગયો અને તેનો મિત્ર આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. તેને કોઈ વાતનો પછતાવો જ ના થયો.
મિત્રો કોઇ પણ સંબંધમાં વિશ્વાસ નો પાયો ડગમગી જાય તો એ સંબંધનો અંત આવતા વાર નથી લાગતી. ઘણા લોકો મનથી સ્ટ્રોંગ હોય છે અને ઘણા લોકો મનથી થોડા નબળા હોય છે. જો આવા સંવેદનશીલ અથવા એકલતા ભરેલું જીવન જીવતા કોઈ વ્યક્તિ તમારા મિત્ર હોય તો તેમની થોડી કાળજી રાખો કેમકે કયા સમયે તે શું કરી બેસે એ કંઈ નક્કી નથી હોતું. એમને એક વાર એવું લાગે કે આ દુનિયામાં એમનું પોતાનું કોઈ છે જ નહીં તો તે આત્મહત્યાનો પ્રયાસ પણ કરી શકે છે. આ સ્ટોરીમાં રાહુલ નાનપણથી જ એકલો રહ્યો હતો. તેના જીવનમાં જે કોઈ આવ્યું એ બધાએ તેને પહેલા ખુશ કર્યો પછી વિશ્વાસઘાત કર્યો. આખું જીવન એકલતામાં વિતાવ્યું અને આટલી બધી વાર દગો મળતાં તેણે પોતાનું જીવન ટૂંકાવી લીધું. આપણા મિત્રો જે માનસિક રીતે ડિસ્ટર્બ રહેતા હોય તેમને સમય આપતા શીખો. કોઈ વ્યક્તિને થોડો સમય આપશો તો એ વ્યક્તિને થશે કે એમના જીવનમાં પણ કોઈ છે તો એમને થોડી મનની શાંતિ મળે અને તેઓ ખુશ રહેશે. આ રીતે માનસિક નબળા લોકોને ક્યારેય હેરાન ન કરવા કે ક્યારેય તેમની સાથે વિશ્વાસઘાત ન કરવો. તેઓ પોતાનું જીવન તમારા કારણે ટુંકાવી લેશે તો તમે પણ ક્યારેય ખુશ રહી નહીં શકો અને તમે પાપ ના ભાગીદાર બની જશો.
જીવનમાં ગમે તે થાય પણ આત્મહત્યા એ તેનો ઉકેલ નથી…
– આર. કે. ચોટલીયા