- વધુ એક રાજ્યમાં I.N.D.I.A.માં સીટ વહેંચણીને લઈને બબાલ
- કોંગ્રેસે મુંબઈમાં 3 બેઠક માંગી, ઉદ્ધવે માત્ર એક જ બેઠક આપવા તૈયાર : રાજ્યની 48માંથી 10 બેઠકમાં વિવાદ
વપક્ષના ઇન્ડિયા ગઠબંધન માટે સીટોની વહેંચણી એક મોટો પડકાર બની રહ્યો છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એક પણ સીટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં પણ વિભાજનનો માર્ગ સરળ લાગતો નથી. કોંગ્રેસે મુંબઈની કુલ છમાંથી ત્રણ બેઠકો પર દાવો કર્યો છે. આ કારણે મહા વિકાસ આઘાડીમાં સામેલ એનસીપી અને શિવસેના (ઉદ્ધવ) વચ્ચે સર્વસંમતિ બની રહી નથી.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કોંગ્રેસના દાવાને ફગાવી દીધો છે અને માત્ર એક જ સીટ આપવા તૈયાર છે. તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવરાએ આ મુદ્દે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે કોંગ્રેસના ટોચના નેતાનું કહેવું છે કે મહારાષ્ટ્રની 48માંથી 38 બેઠકો પર સર્વસંમતિ સધાઈ છે. તેમને આશા છે કે બાકીની બેઠકો પરના મોટાભાગના વિવાદો આગામી 2 ફેબ્રુઆરીએ મળનારી એમવીએ બેઠકમાં ઉકેલાઈ જશે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો એનસીપી પ્રમુખ શરદ પવાર, યુબીટી સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એઆઈસીસીના નિરીક્ષક રમેશ ચેન્નીથલા બેઠક વહેંચણી અંગેના વિવાદને ઉકેલશે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે છેલ્લી એમવીએ મીટિંગ દરમિયાન, કોંગ્રેસના નેતાઓએ મુંબઈમાં ત્રણ સીટો (ઉત્તર-મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-મધ્ય)નો દાવો કર્યો હતો.
2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર-મધ્ય બેઠક પરથી ભાજપના પૂનમ મહાજન, શિવસેનાના ઉમેદવાર ગજાજન કીર્તિકર ઉત્તર-પશ્ચિમમાંથી અને શિવસેનાના રાહુલ શેવાલે દક્ષિણ-મધ્ય બેઠક પરથી જીત્યા હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના આ બેઠકોને પોતાનો ગઢ માને છે. તેમણે કોંગ્રેસને માત્ર મુંબઈ ઉત્તર સીટ ઓફર કરી છે.
એમવીએની બેઠકમાં થયેલી સર્વસંમતિ મુજબ, કોંગ્રેસ 14 બેઠકો, યુબીટી સેના 15 અને એનસીપી (શરદ પવાર જૂથ) 9 બેઠકો પર ચૂંટણી લડે તેવી અપેક્ષા છે.
10 બેઠકો પર હજુ પણ વિવાદ છે. વિવાદિત બેઠકોમાં રામટેક, હિંગોલી, વર્ધા, ભિવંડી, જાલના, શિરડી, છત્રપતિ સંભાજીનગર, સાંગલી અને અમરાવતીનો સમાવેશ થાય છે.