અંદાજે રૂ.649 કરોડની રિકવરી, હજુ પણ બીજા નાણા પરત મેળવવાની પ્રક્રિયા ચાલુ: આરબીઆઇએ પણ તપાસ હાથ ધરી
યુકો બેંકનો મોટો છબરડો સામે આવ્યો છે. આ બેંકે ત્રણેક દિવસમાં ખાતાઓમાં ભૂલથી આડેધડ 820 કરોડ જમા કરી દીધા હતા. જેમાંથી 649 કરોડની રિકવરી તો થઈ ગઈ છે. હજુ પણ રિકવરીની પ્રક્રિયા ચાલી રહી છે.યુકો બેંકમાં કેટલાક ખાતાધારકોના બેંક ખાતામાં અચાનક કરોડો રૂપિયા જમા થતાં તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં બેંકની ભૂલને કારણે આવું બન્યું હતું. બેંકની ભૂલને કારણે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ દ્વારા કેટલાક બેંક ખાતાઓમાં 820 કરોડ રૂપિયા જમા થયા હતા. બેંકને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે પૈસા ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. અત્યાર સુધીમાં બેંકે 649 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.
બેંકે હજુ સુધી સ્પષ્ટતા નથી કરી કે આટલી મોટી રકમ અચાનક ખાતાઓમાં કેવી રીતે ટ્રાન્સફર થઈ, તે માનવીય ભૂલને કારણે હતી કે ટેકનિકલ ખામી કે હેકિંગને કારણે? બેંકનું કહેવું છે કે ટ્રાન્સફર કરાયેલી રકમમાંથી 79 ટકા રકમ એટલે કે 649 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. જો કે, હજુ પણ લગભગ રૂ. 200 કરોડની વસૂલાત થઈ નથી, તેને પરત લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઘટનાની અસર યુકો બેંકના શેર પર પણ મોટી છે. ગુરુવારે યુકો બેન્કનો શેર 1.1 ટકા ઘટીને રૂ. 39.39 થયો હતો. બેંકે આ ઘટના અંગે તપાસ એજન્સીઓને જાણ કરી છે.
બેંકે કહ્યું કે 10 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી તેની ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસમાં આંતરિક વિક્ષેપ હતો, ત્યારબાદ બેંકે તેની ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ ચેનલને ઓફલાઈન કરી લીધી. બેંકે આ ઘટના વિશે બીએસઇને જાણ કરી છે અને કહ્યું છે કે સાવચેતીના પગલા તરીકે, બેંકે તે ખાતાઓને બ્લોક કરી દીધા છે જેમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા હતા. રિઝર્વ બેંક પણ પોતાના સ્તરે આ ભૂલના કારણની તપાસ કરી રહી છે. યુકો બેંકે કહ્યું છે કે તેની અન્ય તમામ મહત્વપૂર્ણ સિસ્ટમો કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.