વિશ્વની ખાદ્ય સુરક્ષામાં ભારતનું યોગદાન મહત્વનું રહેવાનો અનેક દેશોને વિશ્વાસ
આઇટુયુટુની સમિટમાં ભારત, ઈઝરાયેલ, અમેરિકા અને યુએઇ વચ્ચે ખાદ્ય અને ઉર્જા સૃરક્ષાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા
સમગ્ર વિશ્વમાં અત્યારે ખાદ્ય અને ઉર્જા બન્નેની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં ’પશ્ચિમ એશિયાના ક્વાડ’ ગણાતા ભારત, ઈઝરાયેલ, અમેરિકા, યુએઈના ચાર દેશોના સંગઠન આઈટુયુટુએ ભારતમાં એકીકૃત ફૂડ પાર્ક વિકસાવવા માટે અંદાજે રૂ. 16,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આઈટુયુટુના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે ભારત ફૂડ પાર્ક માટે યોગ્ય ભૂમિ પૂરી પાડશે અને ખેડૂતોનો ફૂડ પાર્કમાં સમાવેશ કરવાની સુવિધા પૂરી પડાશે. આઈટુયુટુની પહેલી વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈઝરાયેલના પીએમ યેર લાપિડ, અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને ભાગ લીધો હતો. પ્રથમ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ખાદ્ય સુરક્ષા સંકટની સાથે સ્વચ્છ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરાયું અને લાંબાગાળાના, વિવિધ ખાદ્ય ઉત્પાદન તથા ખાદ્ય વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની નવીન રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાદ્ય સુરક્ષાની પહેલ પર ભાર મુકતા આઈટુયુટુ નેતાઓએ કહ્યું કે, સંયુક્ત આરબ અમિરાત આંતરરાષ્ટ્રીય અક્ષય ઊર્જા એજન્સીનું હબ છે અને 2023માં સીઓપી 28નું યજમાન બનશે. સમગ્ર ભારતમાં એકીકૃત ખાદ્ય પાર્કોની એક શ્રેણી વિકસાવવા માટે યુએઈ અંદાજે રૂ. 16,000 કરોડનું રોકાણ કરશે.
આઈટુયુટુ ઊર્જા અને ખાદ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે: મોદી
આઈટુયુટુના શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની આ પહેલી સમિટથી જ આઈટુયુટુએ એક સકારાત્મક એજન્ડા સ્થાપિત કરી લીધો છે. આપણે અનેક ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટની ઓળખ કરી છે અને તેમાં આગળ વધવાની માર્ગદર્શિકા પણ બનાવી છે. વધતી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આપણું સહયોગી માળખુ વ્યવહારિક સહયોગનું સારું ઉદાહરણ પણ છે. મને વિશ્વાસ છે કે આઈટુયુટુથી આપણે વૈશ્વિક સ્તર પર ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ યોગદાન કરી શકીશું.
આઈટુયુટુ ગુજરાતમાં 300 મેગા વોટવાળા હાઈબ્રિડ વૈકલ્પિક ઊર્જા પ્રોજેક્ટને આગળ ધપાવશે
આઈટુયુટુએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલના ખાનગી ક્ષેત્રોને તેમની ટેક્નોલોજી ઉધાર આપવા અને પ્રોજેક્ટની સંપૂર્ણ સ્થિરતામાં યોગદાન આપવાના સમાધાન પૂરા પાડવા માટે આમંત્રણ અપાશે. આ રોકાણોથી પાકની ઉપજ મહત્તમ કરવામાં મદદ મળશે અને બદલામાં દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવામાં મદદ મળશે. આ જૂથ ગુજરાતમાં એક હાઈબ્રિડ વૈકલ્પિક ઊર્જા પ્રોજેક્ટને પણ આગળ વધારશે, જેમાં 300 મેગાવોટ પવન અને સૌર ક્ષમતાવાળી ઊર્જાનો સમાવેશ થાય છે.
ભારતમાં ફૂડ પાર્કથી ખાદ્ય ઉત્પાદન માત્ર પાંચ વર્ષમાં ત્રણ ગણું વધી શકે છે: બાઈડેન
યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું હતું કે ભારતમાં સંયુક્ત આરબ અમીરાત 2 બિલિયન ડોલરના રોકાણ સાથે ’ફૂડ પાર્ક’ વિકસાવશે. જેને પરિણામે દેશનું ખાદ્ય ઉત્પાદન માત્ર પાંચ વર્ષમાં ત્રણ ગણું થઈ શકે છે. આજે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તેમાં ઝડપથી વકરતું જળવાયુ સંકટ અથવા વધતી ખાદ્ય અસુરક્ષાનો સમાવેશ થાય છે. યુક્રેન વિરુદ્ધ રશિયાના ક્રૂર અને અકારણ હુમલાથી અસ્થિર ઊર્જા બજારો વધુ બદતર સ્થિતિમાં મુકાઈ ગયા છે.