અબુધાબીમાં હુમલામા 2 ભારતીય અને 1 પાકિસ્તાની નાગરિકના નિપજ્યા હતા મોત, દુર્ઘટનાના કલાકોમાં જ યુએઇએ યમનમાં વિદ્રોહીના ઠેકાણા ઉપર કર્યો હવાઈ હુમલો

સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના આરબ ગઠબંધન દળોએ ગઈકાલે રાત્રે ભીષણ હવાઈ હુમલામાં ભારતીયોની હત્યા કરનાર હુતી વિદ્રોહીઓના ટોચના કમાન્ડરને ઠાર કર્યો છે. અરબ સેનાના ફાઇટર જેટે યમનની રાજધાની સાનાના ઉત્તરી વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં હુતી કમાન્ડર મેજર જનરલ અબ્દુલ્લા કાસિમ અલ જુનૈદનું મોત થયું છે.

મળતી વિગતો અનુસાર સોમવારે ઈરાન તરફી હુતી બળવાખોરોએ યુએઈની રાજધાની અબુ ધાબી પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યો હતો. જેમાં 2 ભારતીય અને 1 પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા. હુમલામાં 6 લોકો ઘાયલ થયા હતા. આરબ ગઠબંધન સેનાના પ્રવક્તાએ હવાઈ હુમલાની પુષ્ટિ કરી હતી. દરમિયાન, યુએઈમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેમના મૃતદેહોને ભારત મોકલવાના પ્રયાસો ચાલુ છે.

યૂએઇના વિદેશ મંત્રીએ આ ઘટનાને આતંકી ઘટના ગણાવી અને કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. અગાઉ, હુતી વિદ્રોહીઓએ સંયુક્ત આરબ અમીરાતના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. યુએઈની રાજધાની અબુ ધાબીના મુખ્ય એરપોર્ટ પર સોમવારે આગ ફાટી નીકળી હતી અને ત્રણ ઈંધણ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં બે ભારતીય નાગરિકો સહિત ત્રણ લોકોના મોત થયા હતા. અબુધાબી પોલીસે આ માટે ડ્રોન હુમલાને જવાબદાર ગણાવ્યો હતો. યમનના હુતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

હુતીના સૈન્ય પ્રવક્તા યાહિયા સરેઈએ જણાવ્યું હતું કે તેમના જૂથે યુએઈમાં અંદર સુધી હુમલા કર્યા છે. વાસ્તવમાં યમનના મોટા ભાગ પર હુતી વિદ્રોહીઓનો કબજો છે. અહીં સાઉદીની આગેવાની હેઠળનું સૈન્ય ગઠબંધન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને પુન:સ્થાપિત કરવા માટે હુતીઓ સામે લડી રહ્યું છે. યમનના ગૃહયુદ્ધ સામે લડવા માટે યુએઈ 2015માં સાઉદી ગઠબંધનમાં જોડાયું હતું. યુએઈએ તાજેતરના અઠવાડિયામાં યમનમાં હુતી ઠેકાણાઓ સામે તેના હવાઈ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. હુતી વિદ્રોહીઓએ કહ્યું હતું કે તેઓ તેનો બદલો લેશે. સોમવારે થયેલા આ હુમલાને આ કાર્યવાહીનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.