ધર્મ ‘જીવ’થી મોટો ન હોઈ શકે
કોરોના મહામારીમાં કાવડ યાત્રાને અનુમતી શા માટે?: યોગી-કેન્દ્ર સરકારને સુપ્રીમની નોટિસ
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનામાં યોજાતી કાવડ યાત્રાનુ આગવુ મહત્વ છે.આ વર્ષે કોરોનાની વચ્ચે યુપી સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે હવે કેન્દ્ર સરકાર અને યુપી સરકારને નોટિસ મોકલી છે.
ઉત્તર પ્રદેશ સરકારે કોરોના મહામારી વચ્ચે પણ કાવડ યાત્રાને છૂટ આપી હતી, જેની નોંધ સુપ્રીમ કોર્ટે લીધી છે અને સમગ્ર મામલે નોટીસ પાઠવીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ નિવેદનને ટાંક્યું હતું જેમાં મોદીએ કહ્યું હતું કે કોરોના મહામારી સામે પહોંચી વળવા થોડી પણ બાંધછોડ નહીં કરવામાં આવે.
નોંધનીય છે કે ૨૫મી જુલાઇ યુપીમાં કાવડ યાત્રા યોજાવા જઇ રહી છે. જ્યારે ઉત્તરાખંડમાં તેને રદ કરવામાં આવી છે. એવામાં ન્યાયાધીશ આર. એફ. નરીમને મામલાની સુનાવણી કરતી વેળાએ કહ્યું હતું કે અમે પરેશાન કરનારા સમાચાર વાચ્યા છે કે યુપી સરકારે કોરોના મહામારી વચ્ચે પણ કાવડ યાત્રાને અનુમતી આપી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોરોના મહામારી સામે પહોંચી વળવા માટે આપણે વધુ સતર્ક રહેવાની જરુર છે. જ્યારે બીજી તરફ યુપી સરકાર કાવડ યાત્રાને અનુમતી આપી રહી છે. શુક્રવારે સવાર સુધીમાં સમગ્ર મામલે જવાબ આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો.
શુક્રવારે આ મામલાની સુનાવણી થશે.દરમિયાન સુપ્રીમ કોર્ટે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલી ચેતવણીનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ છે કે, ખુદ વડાપ્રધાનનુ પણ માનવુ છે કે, પરિસ્થિતિમાં ઢીલ મુકાય તેમ નથી.
દરમિયાન ઉત્તરાખંડ સરકારે કાવડયાત્રા રદ કરવાની જાહેરાત કરી દીધઈ છે.સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે ત્યારે લોકોની જીંદગી સાથે રમત કરવી યોગ્ય નથી.સરકાર કોઈ ચાન્સ લેવા માંગતી નથી.જોકે યુપીમાં કોરોના પ્રોટોકોલ સાથે કાવડયાત્રાના આયોજનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
ત્રીજી લહેરને રોકવા જરા પણ બેદરકારી નહીં ચાલે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બુધવારે સવારે જાતે જ આ મામલામાં યુપી સરકારને નોટીસ આપી હતી અને કહ્યુ હતુ કે, ૨૫ જુલાઈથી ૬ ઓગસ્ટ સુધી કાવડ યાત્રા યોજાવાની છે અને જ્યારે પીએમ પોતે કહી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેરને આપણે રોકવી પડશે અને જરા પણ બેદરકારી પાલવે તેવી નથી. સુપ્રીમ કોર્ટ આ સંદર્ભમાં યુપી સરકારને શુક્રવારે જવાબ આપવ માટે કહ્યુ છે.
યુ.પી. અને કેન્દ્ર સરકારે ૧૬ જુલાઈએ રજૂ કરવો પડશે જવાબ
કોરોના વાઇરસ મહામારી વચ્ચે પણ કાવડ યાત્રાને અનુમતી કેમ આપવામાં આવી તેને લઇને સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. ન્યાયાધીશ આર. એફ. નરીમનની બેંચે આ મામલાની સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી અને કેન્દ્ર તેમજ યુપી સરકારને નોટિસ પાઠવી હતી. હવે આ મામલે આગામી ૧૬મી તારીખે વધુ સુનાવણી કરવામાં આવશે જે સમયે રાજ્ય અને કેન્દ્રએ જવાબ આપવાનો રહેશે.