નલીયાનું લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી, રાજકોટનું તાપમાન 10.1 ડિગ્રી, અમદાવાદ 10 ડિગ્રી સાથે ઠંડાગાર: હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી

ઉત્તર ભારતના રાજ્યમાં થઇ રહેલી હિમ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જો કે કચ્છના નલીયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી ઉંચકાયો હતો. છતા 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલીયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હજી રાજ્યનાં બે દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો અઢી ડિગ્રી સુધી નીચો પટકાયો હતો.

રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો પટકાયો હતો. સુસવાટા મારતા ઠંડાગાર પવનના કારણે જનજીવન રિતસર થરથર ધ્રુજી ઉઠ્યું હતું. દિવસ દરમિયાન ઠંડીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો. હજી બે દિવસ રાજ્યમાં કાતીલ ઠંડીનું જોર યથાવત રહેશે. આજે કચ્છના નલીયાનું લઘુત્તમ તાપમાન ઉંચકાયું હતું. ગઇકાલે નલીયાનું તાપમાન 4.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે પારો 3 ડિગ્રી સુધી ઉંચકાયુ હતું. આજે નલીયાનું લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ હતું. નલીયા સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

આ ઉપરાંત આજે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્શીયસ, વડોદરાનું તાપમાન 10.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 13 ડિગ્રી, ભુજનું તાપમાન 11.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 10 ડિગ્રી, દિવનું તાપમાન 11.5 ડિગ્રી, કંડલાનું તાપમાન 13 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 12.4 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું.

રાજકોટનું લઘુત્તમ તાપમાન આજે અઢી ડિગ્રી સુધી પટકાયું હતું. શહેરનું તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા અને પવનની સરેરાશ ઝડપ 9 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. કાતીલ ઠંડીના કારણે આખું રાત જાગતું રાજકોટ શુક્રવારે વહેલુ પોઢી ગયું હોય તેવું લાગતું હતું. રાજમાર્ગો સુમસામ ભાસતા હતા. ઠંડીથી બચવા લોકો ઘરમાં પુરાય રહ્યા હતા. હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. લઘુત્તમ તાપમાનનો પારો હજી નીચો પટકાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્યભરમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે ત્યારે મંદિરોમાં બિરાજમાન ભગવાનને પણ કાતીલ ઠંડીથી બચાવવા માટે ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં બાલાજી મંદિરે ગઇકાલે રાત્રે હનુમાનજીને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં દ્વારકાધીશ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પણ ભગવાનના તાપણા માટે સગડી મૂકવામાં આવશે. હજી આગામી દિવસોમાં હજી લઘુત્તમ તાપમાનનો પારો નીચો પટકાશે.

રાજકોટમાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આગામી એકાદ-બે દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી જવાની સંભાવના છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાથી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.