પેટિયું રળવા આવેલા પરપ્રાંતીય પરિવારમાં યુવાનના મોતથી કલ્પાંત: એક ગંભીર
શાપર – વેરાવળ પાસે કોગસિયાડી ગામની સીમ પાસે આવેલા સિલ્વર ટેકનો કારખાનાની પાછળ રેલવે ટ્રેક પર લઘુશંકા કરવા જતા બે પરપ્રાંતીય યુવાન ગત રાત્રીના લઘુશંકા કરવા જતી વેળાએ ટ્રેનની હડફેટે ચડતા એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પેટિયું રડવા આવેલા પરપ્રાંતીય પરિવારમાં યુવાનના મોતથી કલ્પાંત છવાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળ પાસે આવેલા કોગસિયાડીગામની સીમમાં આવેલા રેલવે ટ્રેક પર બે અજાણ્યા યુવાન ટ્રેનની ઠોકરે ઘવાયા હતા. જેમાં એકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં શાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ડાભી સહિતની ટીમ તુરંત ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આ બંને યુવાનો ઘટના સ્થળની બાજુમાં આવેલા સિલ્વર ટેકનો કારખાનામાં મજુરી કામ કરતા સંજીવે મેઘાનલિયા કાપડી (ઉ.વ.25) અને સોનુ પહલવાન કાપડી (ઉ.વ.27) હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ મળતી વિગત મુજબ કારખાના પાસે ઇલેક્ટ્રિકનું કામકાજ ચાલતું હોવાથી બે દિવસથી કારખાનામાં રજા હતી. જેથી ગત મોડી રાત્રીના સંજીવે અને સોનું બંને રેલવે ટ્રેક પાસે લઘુશંકા કરવા ગયા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેનની હડફેટે બંને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સંજીવે કાપડીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ સોનુ કાપડીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.શાપર પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. તો બીજી ારિ પેટિયું રળતા પરપ્રાંતીય પરિવારના આધારસ્તંભ સમાન યુવાનના મોતથી કલ્પાંત છવાયો છે.