છ શખ્સોએ હુમલો કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત: બનાવ હત્યામાં પલટાયો
મોરબીના બોરીચાવાસમાં રહેતા બે યુવાન રીક્ષામાં શહેરના અવેાલ કવાર્ટસ પાસે ગરબી જોવા જતાં ત્યાં કોઇ કારણોસર ઝઘડો થતા છ જેટલા શખ્સોએ બન્ને યુવાન પર છરી તલવાર વડે તૂટી પડતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં એક યુવાનની હાલત ગંભીર જણાતા પ્રથમ સારવાર અર્થે રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવતા તેને સારવાર દરમિયાન દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના બોરીચાવાસમાં રહેતા જયદીપભાઇ જીલુભાઇ ગોગરા અને તેના ભાઇ જયરાજ જીલુભાઇ ગોગરા નામના બન્ને યુવાનો નવરાત્રી નીમીતે રીક્ષામાં બેસી શહેરના અવોલ કવાર્ટર પાસે ગરબી જોવા ગયા હતા. ત્યારે અવોલ કવાર્ટર પાસે રહેતા મહીપાલસિંહ નામના શખ્સ સાથે બન્ને યુવાનને ગાળો બોલવા બાબતે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોચી હતી.
ઝઘડો થયાની જાણ થતાં જ મહીપાલસિંહ ના સાગરીકો હરદેવસિંહ દીલીપસિંહ, પલ્લવ રાવલ અને દિપકસિંહ સહીતના છ શખ્સો છરી તલવાર જેવા હથિયાર સાથે ધસી આવી બન્ને યુવાનો પર તૂટી પડયા હતા. જેમાં જયરાજને છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાનની હાલત લથડાતા વધુ સારવાર માટે જયરાજને રાજકોટ બાદ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જયાં સારવાર દરમિયાન યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. બે ભાઇઓમાં જયરાજનું મોત થતા પરીવારમાં અરેરાટી મચી જવા પામી છે. પરિવાર દ્વારા આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જીદ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે પોલીસે તમામ શખ્સો વિરુઘ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.