ધ્રોલ ઉર્ષમાંથી પરત ફરતી વેળાએ ત્રિપલ સવારી સ્કુટરને અકસ્માત નડ્યો, એક ગંભીર

અબતક-રાજકોટ

પડધરી પાસે ધૂમ સ્ટાઈલથી ચાલતા ત્રિપલ સવારી એક્ટિવા ડિવાઈડર સાથે અથડાતા રાજકોટના ત્રણેય યુવાન દૂર સુધી ફંગોડાયા હતા. જેમાં રાજકોટના બે યુવાનના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બુધવારે રાત્રિના ધ્રોલ તરફથી ત્રિપલ સવારી પૂરપાટ ઝડપે આવી રહેલું એક્ટિવા પડધરી નજીક મોવૈયા સર્કલ સાથે ધડાકાભેર અથડાયું હતું.વાહન અથડાવાનો અવાજ દૂર સુધી સંભળાતા લોકો એકઠા થઈ ગયા હતા.

ત્રણ યુવકો લોહિયાળ હાલતમાં રસ્તા પર ફંગોળાયેલી હાલતમાં પડ્યા હતા. સેવાભાવી લોકોએ ત્રણેય યુવકોને તાકીદે પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.આ ઘટનાની જાણ થતાં પડધરીના જમાદાર રણજીતભાઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં રાજકોટના દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા વિશાલ મનોજભાઈ જાદવ (ઉ.વ.25) અને 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક રહેતા પરેશ હકાભાઈ સાકરિયા (ઉ.વ.23) નામના બે યુવકના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જયારે કરણ ભરતભાઇ મકવાણા નામનો 18 વર્ષીય યુવાનની હાલત ગંભીર હોય તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

હતો.ઘટના સમયે હાજર રાહદારીઓ અને સ્થાનિકોએ જણાવ્યું હતું કે એક્ટિવા બેફામ સ્પીડે ચાલતું હતું અને રાજકોટથી જામનગર રોડ પર નિયત સમય પર રેસિંગ યોજાય છે. જેમાં અનેક વખત યુવાનોની જિદંગીનો અંત પણ આવ્યો છે. આજે પણ એક્ટિવા જે ગતિ સાથે ધડાકાભેર અથડાયું હતું. એ જોતા યુવકો પણ રેસમાં જોડાયા હોવાની શંકા છે. આ ઉપરાંત માધાપર ચોકડી નજીકથી પણ એક ડબલસવારી બાઈક જામનગર તરફ પૂરપાટ ઝડપે ભાગ્યું હતું એ વખતે ત્યાં હાજર પોલીસે પીસીઆર વાનમાં તે બાઈકનો પીછો કર્યો હતો. જો કે બાઈકચાલક હાથ આવ્યો ન હતો. રાજકોટથી જામનગર તરફ બાઈક ચાલક અન્ય વાહનચાલકો સાથે સ્પર્ધામાં જોડાયો હોવાની પણ પોલીસે શંકા વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.