વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને વિકસિત ગુજરાતથી સાકાર કરવા 12મી ડિસેમ્બર, ગુરૂવારે તૃતિય વર્ષમાં પદાર્પણ સાથે
- ‘ગ્યાન’ – ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિના સમૂચિત વિકાસના કાર્યક્રમોનું આયોજન
- વિકસિત ગુજરાતની દિશા તય કરતા ‘ગ્યાન’ આધારિત કાર્યક્રમો યોજાશે
- જનતા જનાર્દને મુકેલો વિશ્વાસ સેવા-સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે અનેકવિધ લોકહિતકારી યોજનાઓનો સેવાકાળ બનાવ્યો છે
- મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થશે
- અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્ર લોકાર્પણ થકી – ગરીબ ઉત્કર્ષ
- રાજ્ય સરકારના વિભાગોમાં 600 યુવાઓને નિમણૂક પત્રો એનાયતથી – યુવા વિકાસ
- ખેડૂતો-અન્નદાતાઓના FPO સાથે સંવાદથી – અન્નદાતા વિકાસ
- મહિલા સ્ટાર્ટઅપ – ઇનોવેટર્સ સાથે સંવાદથી – નારીશક્તિ વિકાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિના પાયા પર રચેલી સર્વાંગી વિકાસની બુનિયાદને ગુજરાતની જનતા જનાર્દને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ મૂકીને વધુ ઉન્નત બનાવી છે.
આ જન સમર્થન અને જનવિશ્વાસ સાથે તા.12મી ડિસેમ્બર, 2022ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું. તેમના સફળ સુશાસનના બે વર્ષ 12 ડિસેમ્બર,2024ના પૂર્ણ થશે.
મુખ્યમંત્રીના દ્રષ્ટીવંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસયાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત @ 2047 માટે ચાર મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સશક્તિકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ‘ટીમ ગુજરાતે’ પણ વડાપ્રધાનશ્રીના આ વિકસિત ભારત @ ૨૦૪૭ સંકલ્પને વિકસિત ગુજરાતથી પાર પાડવાની નેમ રાખી છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાશક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન ઉપર ફોકસ કર્યું છે.
ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બે વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જન-જનને અનુભૂતિ કરાવી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર તા. ૧૨મી ડિસેમ્બર, ગુરૂવારે તૃતીય વર્ષમાં પદાર્પણ કરશે તે અવસરને પણ ‘ગ્યાન’ આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ વર્તમાન રાજ્ય સરકારના ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ અવસરે આ ‘ગ્યાન’ આધારિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરીને તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે તા.૧૨મી ડિસેમ્બર, ગુરૂવારના દિવસનો પ્રારંભ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નરોડામાં 300 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે.
મુખ્યમંત્રી ‘ગ્યાન’ના બીજા મહત્વપૂર્ણ પિલ્લર એવા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની નેમ સાથે સવારે ૧૧ કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ૫૮૦ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અન્નદાતા’ને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુએડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને મુખ્યમંત્રી આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રી ગુરુવારે સાંજે 300 જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ-હબ ખાતે યોજનારા એક કાર્યક્રમમાં સંવાદ-વાતચીત કરશે.
મહિલા ઉદ્યોગ સાહસિકો સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં ૫૨%નો વધારો થયો છે. મુખ્યમંત્રી ‘ગ્યાન’નો ચોથો સ્તંભ એવી નારીશક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટ અપ ઇનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની વર્તમાન સરકારના ત્રીજા વર્ષમાં પદાર્પણનો પ્રથમ દિવસ એટલે કે તા. 12મી ડિસેમ્બર 2024 સમગ્રતયા ‘ગ્યાન’ સમર્પિત વિકાસ દિવસ બનશે.