ન્યુ ચિટોઝ એરપોર્ટ ઉપર ૨૫ ગ્રામ ડ્રગ સાથે પકડાયેલા વાડિયા જુથના એકમાત્ર વારસદારને જાપાનની કોર્ટે સજા ફરમાવી
જાપાનની કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના મામલે બે વર્ષની સજા સંભળાવી છે. ભારતના સૌથી ધનવાન બિઝનેસ ફેમિલીમાંથી એક નેસ વાડિયાને જાપાનમાં સ્કિઇંગના વેકેશન દરમિયાન ડ્રગ્સ રાખવા માટે સજા સંભળાવવામાં આવી છે.
૨૮૩ વર્ષ જૂના વાડિયા જૂથના એકમાત્ર વારસદાર અને કિંગ્સ ઇલેવન પંજાબ ક્રિકેટ ટીમના કો-ઓનર નેસ વાડિયાની માર્ચની શરૂઆતમાં નોર્થ જાપાન દ્વિપ હોક્કાઇડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જાપાની મીડિયા અનુસાર, ન્યૂ ચિટોઝની બોર્ડર ડ્યૂટી ઓફિસરને ચેકિંગ દરમિયાન નેસ વાડિયા પાસેથી ૨૫ ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. જાપાનમાં માદક પદાર્થોને લઇને કાયદાઓ કડક છે અને હાલમાં તેને ખાસ અમલ કરવામાં આવ્યા છે.
૪૭ વર્ષીય નેસ વાડિયા ભારતના પ્રખ્યાત બિઝનેસમેન નુસ્લી વાડિયાના સૌથી મોટાં દીકરા છે. ફોર્બ્સ અનુસાર, તેમની પાસે ૭ બિલિયનની કુલ સંપત્તિ છે. વાડિયા જૂથમાં બિસ્કિટની દિગ્ગજ કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીથી લઇને બજેટ એરલાઇન ગોઅર પણ સામેલ છે.
નેસ વાડિયાનું કનેક્શન પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા સાથે છે. નેસ વાડિયા ઝીણાના પ્રપૌત્ર છે. ઝીણાની દીકરી દીનાના લગ્ન વાડિયા પરિવારમાં થયા હતા. નુસ્લી વાડિયા દીના વાડિયાના દીકરા છે અને નુસ્લી વાડિયાનો દીકરો નેસ વાડિયા છે.
નેસ વાડિયાના અબજપતિ પિતા નુસ્લી વાડિયા, વાડિયા ગ્રુપ્સ કંપનીના માલિક છે. તેમની માતા મૌરીન વાડિયા એક ફેશન મેગેઝીન ગ્લેડરેગ્સની માલિક છે. જેઓએ મેનહન્ટ કોન્ટેસ્ટ અને ગ્લેડરેગ્સ મેગા મોડલ જેવી પ્રતિસ્પર્ધાની શરૂઆત કરી હતી. મૌરીન વાડિયા એકવાર એવા સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેઓએ નિવેદન આપ્યું હતું કે, મારો દીકરો ઝેબ્રા સાથે લગ્ન કરે કે ઝીન્ટા સાથે મને કોઇ જ ફરક નથી પડતો.
નેસ વાડિયા ઘણી સંસ્થાઓમાં પણ સક્રિય છે, જેમ કે ફિક્કિ જેમાં તેઓ મહારાષ્ટ્ર રાજ્ય પરિષદના ચેરમેન રહી ચૂક્યા છે. વાડિયા ગ્રૂપમાં ગો એરલાઇન્સ પણ સામેલ છે, જે ભારતની પાંચમી મોટી એરલાઇન છે. આ કંપનીને નેસ વાડિયાના નાના ભાઇ જહાંગીર વાડિયા ચલાવે છે. એક સમયે પ્રીતિ ઝીન્ટા આ એરલાઇન્સની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે. ગો એરલાઇન્સમાં કુલ ૧૯ વિમાન છે.
નેસ વાડિયા પારસી છે અને તેઓ પારસી પ્રથાને પ્રોત્સાહન આપવા માટે જરૂરિયાતમંદ પારસી પરિવારોની મદદ કરવા માટે મુંબઇમાં નવરોઝ જી નૂસીરવાનજી વાડિયા ટ્રસ્ટ અને રુસ્તમ જી નવરોઝ જી ટ્રસ્ટ ચલાવે છે. ટ્રસ્ટ ઉપરાંત વાડિયા જૂથમાં પૂણે વાડિયા કોલેજ, નેસ વાડિયા ફાઉન્ડેશન જેવી સંસ્થા પણ સામેલ છે.
નેસ વાડિયા આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના કો-ઓનર છે અને તેમની સાથે પ્રીતિ ઝીન્ટા પણ આ ટીમની ભાગીદાર છે. નેસ વાડિયાનું બોલિવૂડ કનેક્શન પણ ઘણું મજબૂત છે. સલમાન ખાન, સૈફ અલી ખાન, કરણ જોહરથી લઇ અનેક મોટાં કલાકારો તેમના સારાં મિત્રો છે. નેસ વાડિયા પ્રિતિ ઝીન્ટા સાથે અફેર, બ્રેકઅપ અને પ્રિતિ સાથેના વિવાદના કારણે પણ ચર્ચા રહ્યા હતા.