રાજકોટ, જામનગર, અમરેલી અને ગોંડલના શખ્સો જુગાર રમતા ઝડપાયારોકડ, કાર અને મોબાઇલ મળી રૂ.૫.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે
ગોંડલ આશાપુરા ચોકડી પાસે ખોડીયાર મંદરિની બાજુમાં પ્રમુખનગરમાં ચાલતી જુગાર કલબ પર રૂરલ એલ.સી.બી.એ દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત ૧૧ શખ્સોની રૂ.૫.૧૯ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. રાજકોટ, જામનગર, અમરેલી અને ગોંડલના શખ્સોને જુગાર રમવા માટે ઇક્કો કારમાં જુગાર કલબ પર પહોચતા કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. ગોંડલના ચોરડી દરવાજા પાસે વરલીના આંકડા પર જુગાર રમતા બે શખ્સો અને જેતપુરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પ્રમુખનગરમાં રહેતા વીરભદ્રસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા પોતાના ઘરે જુગાર કલબ ચલાવતો હોવાની અને ઇક્કો કારમાં રાજકોટ, જામનગર અને અમરેલીના શખ્સોને લાવ્યાની મળેલી બાતમીના આધારે પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. એચ.એ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા અને રહીમભાઇ દલ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
જુગાર રમતા વીરભદ્રસિંહ ઝાલા, ગોંડલ શ્રીનગર સોસાયટીના ધનજી જયંતી મકવાણા, રાજકોટ કોઠારિયા હુડકો કવાર્ટરના અમીન નટવરલાલ જોશી, રિધ્ધી સિધ્ધી સોસાયટીના અજીતસિંહ છનુભા બારડ, ધમેશ નરશી ભાલારા, રીતેશ દિલીપ દુધરેજીયા, તિરૂપતી સોસાયટીની ઇલાબેન જયંતીભાઇ વેકરીયા, સહકારનગર સોસાયટીની ગીતાબેન દિપેશભાઇ સિધ્ધપુરા, જામનગરની શાંતાબેન પરસોતમ ભાનુશાળી, અમરેલીના સંજય નગીન ઝીંઝુવાડીયા અને ગોંડલ ગણેશનગરના કનૈયાનગરના ધીરૂ જીંજુવાડીયાની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૧.૬૨ લાખ રોકડા, દા.૪૧,૭૦૦ની કિંમતના ૧૧ મોબાઇલ અને રૂ.૩.૧૫ લાખની કિંમતની ઇક્કો કાર મળી રૂ.૫.૧૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જ્યારે ગોંડલના ચોરડી દરવાજા પાસે વરલીના આંકડા પર જુગાર રમાડતા રાકેશ હિમત પરમાર અને કિશોર શિવલાલ વ્યાસ નામના શખ્સોને રૂ.૧૮ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.
જેતપુરના નાના ચોક લાઇટ હાઉસ પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા કાદીર ઉર્ફે સમીર વલી ચૌહાણ, ઇલીયાસ વલી કાથરોટીયા અને હુસેન કાસમ ખેડારા નામના શખ્સોને રૂ.૧૨,૮૦૦ની રોકડ સાથે જેતપુર પોલીસે ધરપકડ કરી છે.