જન્માષ્ટમીના દિવસે મળવા બોલાવ્યા બાદ યુપીના શખ્સની મદદથી મોતને ઘાટ ઉતારી લાશ કણકોટ પાસે પાણીના ખાડામાં ફેંકી દીધાની કબુલાત ઘટના સ્થળેથી લાઈટ બીલ અને ડાયરી મળી આવતા મૃતક મહિલાની ઓળખ સાથે પ્રેમ સબંધનો ભાંડો ફૂટયો
મવડી કણકોટ મેઈન રોડ ઉપર શ્યામલ ચાર રસ્તા આગળ પાણીના ખાડામાંથી ગઈકાલે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની પોલીસે ઓળખ મેળવ્યા બાદ મહિલાનું નામ હિનાબેન રાજેશભાઈ મહેતા (ઉ.વ.૪૮) હોવાનું અને શાળાના સંચાલક સહિત બે શખ્સોને તેની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને આ સ્થળે પાણીના ખાડામાં ફેંકી દીધાની કબુલાત આપતા પોલીસે સ્કૂલ સંચાલક સહિત બન્નેની ધરપકડ કરી હત્યા કરી પુછપરછ કરતા મૃતક વિધ્વા અને સ્કૂલ સંચાલક વચ્ચેના લાંબા સમયના રીલેશનનો મીસ યુઝ કરી બ્લેકમેઈલીંગથી કંટાળી હત્યા કર્યાની કબુલાત આપી છે.
તાલુકા પોલીસે આ અંગે મૃતકના પુત્ર ગૌરવ રાજેશભાઈ મહેતા (ઉ.વ.૨૮, રહે.વીરસાગરકર ટાઉનશીપ, સંતોષીનગર મેઈન રોડ, રેલનગર)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી મવડી પ્લોટમાં માયાણીનગર શેરી નં.૧માં રહેતા કર્મયોગી સ્કૂલના સંચાલક શાંતિલાલ હરદાસભાઈ વિરડીયા (ઉ.વ.૫૩) અને વિજય શ્રીઆધ્યા રાય (ઉ.વ.૩૭, રહે. નહેનગર ભાડેથી મુળ મુંડેરારાય, તા.દનધરા જી. સંત કબીરનગર)ની ધરપકડ કરી હતી.
મવડી કણકોટ મેઈન રોડ પર ખાડામાં અજાણી મહિલાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતા હેડ કોન્સ. હિતેશ જોગડા, પી.સી.આર. વાન ઈન્ચાર્જ મહાવીરસિંહ સાથે એ.એસ.આઈ. આર.બી.જાડેજા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની મદદથી ખાડાના પાણીમાં તરતા મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ મેળવતા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ઘટના સ્થળેથી પોલીસ સ્ટાફને એક લાઈટ બીલ પણ મળી આવતા કબજે લઈ તપાસ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું મોત જવાથી થયાનું અનુમાન હતું. પરંતુ બીજી તરફ ઘટના સ્થળેથી મળેલા લાઈટ બીલના આધારે પીઆઈ વણઝારા અને ડી.સ્ટાફના પી.એસ.આઈ. ગઢવીએ તપાસ શરૂ કરતા તેના પુત્ર ગૌરવે આ મૃતદેહ તેની માતા હિનાબેન હોવાનું ઓળખી બનાવ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, શ્રોફ રોડ પર મુંબઈ લેગસી નામની રેસ્ટોરન્ટમાં નોકરી કેશીયર તરીકે નોકરી કરતો અને બે ભાઈઓ મોટો ગૌરવભાઈ-ભાભી સાથે રહે છે તેના પિતાનું ૨૦૦૭માં અવસાન થયું હતું. તેના માતા હત્યાનો ભોગ બનનાર હિનાબેન વડવાજડી ગામે છેલ્લા ૧૧ વર્ષથી મધ્યાહ્ન ભોજનમાં સંચાલક તરીકે નોકરી કરતા હતા. આરોપી શાંતિલાલ તેના પિતાના મિત્ર હતા અને અગાઉ ફરિયાદી સહિત બન્ને ભાઈ બહુચર વિદ્યાલયમાં ભણતા હતા ત્યાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય બન્ને પરિવાર વચ્ચે ઘરે આવવા-જવાનો વહેવાર હતો.
દરમિયાન ગઈ તા.૩ના મૃતક હિનાબેન તેના પુત્ર ગૌરવને ફોન કરીને પોતે શાંતિલાલ વિરડીયાના ઘરે જતા હોવાની વાત કરી હતી. બાદમાં ગઈ તા.૪ના ગૌરવ તેના માતાને ફોન કરતા બંધ આવતો હોવાથી તેણે આરોપી શાંતિલાલને ફોન કરી તેના માતા વિશે પુછતા તેણે યોગ્ય જવાબ નહીં આપી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફરીથી તેણે તેના માતાને ફોન લગાવતા બંધ આવતા હોય સ્કૂલ સંચાલક આરોપી શાંતિલાલની કર્મયોગી સ્કૂલે તપાસ કરવા ગયો હતો. જયાં બન્ને આરોપી શાંતિલાલ અને ત્યાં કામ કરતો તેનો મિત્ર વિજય રાય હાજર હોય તેના માતા વિશે પુછપરછ કરતા આરોપી શાંતિલાલ ગાળાગાળી શરૂ કરતા થોડીવાર બાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.
દરમિયાન ગૌરવને તાલુકા પોલીસમાં પાણીના ખાડામાંથી અજાણી મહિલાની લાશ મળી હોવાનું જાણવા મળતા અને તેની માતાનો પણ છેલ્લા બે દિવસથી કોઈ સંપર્ક ન હોય તપાસ કરવા પોલીસ મથકે જતાં અજાણી મહિલાનો મૃતદેહ તેની માતા હિનાબેનનો હોવાનું ઓળખી બતાવ્યું હતું. આશરે ચારેક વર્ષથી હિનાબેનને આરોપી શાંતિલાલ ફોન કરી અવાર નવાર તેને તેના તાબે થતા ન હોય જેથી તેનો ખાર રાખી આરોપી શાંતિલાલે તેના મિત્ર વિજયને હત્યાનું કાવત્રુ ઘડી ગઈ તા.૩ના કોઈપણ સમયે હિનાબેનને ગમે તે રીતે કોઈ જગ્યાએ બોલાવ્યા હતા. બાદમાં મહિલા ત્યાં જયાં બન્ને આરોપીઓએ તેની હત્યા કરી પુરાવાનો નાશ કરવા તેની લાશને મવડી-કણકોટ રોડ પર પાણીના ખાડામાં ફેંકી ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
પોલીસે સ્કૂલ સંચાલક શાંતિલાલ વીરડીયા અને વિજય શ્રીઆધ્યા રાયની ધરપકડ કરી પુછપરછ કરતા હિનાબેન મહેતા સાથે ઘણા લાંબા સમયથી પ્રેમ સબંધ હોવાનું અને જેના કારણે હિનાબેન બ્લેકમેઈલીંગ કરતા હોવાથી કંટાળી હત્યાનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી છે.
અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલા અને જામીન મુકત થયેલા વિજય શ્રીઆધ્યા રાય મુળ યુપીનો વતની છે અને રાજકોટમાં પીઓપી અને કલર કામનું મજૂરી કામ કરતો હોવાનું શાંતિલાલ વીરડીયાના પરિચયમાં આવ્યો હતો અને તેની મદદથી જન્માષ્ટમીના દિવસે હિનાબેન મહેતાના ગળે દોરડાથી ટૂપો દઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સ્કૂલમાં જ રાખી શાંતિલાલ વીરડીયા મંદિરે ગયા બાદ પોતાના સબંધીને ત્યાં જતો રહ્યો હતો. રાત્રે અંધા થયા બાદ વિજય રાયની મદદથી સ્કોર્પીઓમાં હિનાબેનની લાશને કણકોટ નજીક પાણી ભરેલા ખાડામાં ફેકી દીધાની કબુલાત આપી છે.
ઘટના સ્થળેથી પોલીસને હિનાબેન મહેતાના લાઈટબીલ અને એક ડાયરી મળી આવ્યા હતા. જેના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ડાયરીમાં શાંતિલાલ વીરડીયાએ મોબાઈલ અને સ્કૂટી લઈ આપ્યાનું તેમજ ફલેટ આપશે તેવો ઉલ્લેખ કરાયો છે.
હિનાબેન મહેતા બ્લેકમેઈલીંગ કરતા હોવાના કારણે હત્યા કર્યાની શાંતિલાલ વીરડીયાએ કબુલાત આપી છે.